Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે (26મી ફેબ્રુઆરી) ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સત્રની કાર્યવાહી શરુ થાય તે પૂર્વે જ કોંગ્રેસે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે દેખાવ કર્યો હતો. જ્યારે ગૃહની અંદર નિગમોની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે થયેલા હોબાળા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભાના પગથિયાં પર કોંગ્રેસના ઉગ્ર દેખાવ
સત્ર શરુ થતાં પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના કાર્યાલયથી વિધાનસભાના પગથિયાં સુધી સૂત્રોચ્ચાર સાથે કૂચ કરી હતી. કોંગ્રેસ દ્વારા અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલને રદ કરવાની માંગ સાથે દેખાવ કર્યો હતો. ધારાસભ્યોના હાથમાં 'PM કોમ્પ્રોમાઇઝ્ડ', 'ટ્રમ્પના દબાવમાં ડીલ' અને 'દેશને બરબાદ કરનારી ડીલ' જેવા લખાણવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે આ ડીલને કારણે ગુજરાતના ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થશે. વિપક્ષે સરકાર પાસે આ ડીલની વિગતો જાહેર કરી પારદર્શિતા રાખવાની માંગ કરી છે.
ગૃહમાં SC, ST અને OBC નિગમો મુદ્દે તંગદિલી
વિધાનસભાની અંદર આજે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગ (OBC) નિગમોને રકમ ફાળવવાના મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મંત્રી મનીષા વકીલે ગૃહમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ નિગમોને નિયમિત રીતે પૂરતી રકમ ફાળવવામાં આવી રહી છે. જોકે, મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરતાં કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રાન્ટ સમયસર મળતી નથી, જેના કારણે જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
ચર્ચા દરમિયાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા હતા અને જોરશોરથી સૂત્રોચ્ચાર શરુ કર્યા હતા. અધ્યક્ષ દ્વારા વારંવાર શાંતિ જાળવવાની અપીલ કરવા છતાં હોબાળો યથાવત્ રહ્યો હતો. અંતે, સરકારના વલણ સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.


