Get The App

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરમાં બાપોદ જકાતનાકાથી વૈકુંઠ થઈને કપુરાઈ સુધી અંદાજે રૂ.12 કરોડના ખર્ચે નિર્માણ પામેલી વરસાદી કાંસ વરસાદ શરૂ થાય તે પહેલાં જ ગટરના પાણીથી ભરાઈ જતાં કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે અનેક સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર-15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

આશિષ જોષીનું કહેવું છે કે અગાઉ નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઈન ગ્રેવિટી મુજબ સીધી લાવવાની યોજના હતી, પરંતુ ટેકનિકલ કારણો દર્શાવી‘સી’ આકારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ થશે.

વધુમાં ઉમેર્યું કે વરસાદી કાંસના નિર્માણમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. નવી બનાવવામાં આવેલી આરસીસી વરસાદી કાંસ પણ સી આકારમાં નાખવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે હજુ વરસાદ પણ પડ્યો નથી, છતાં કાંસ ગટરના પાણીથી છલોછલ ભરાઈ ગઈ છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

કાંસમાં આપવામાં આવેલા ડ્રેનેજના જોડાણો તાત્કાલિક બંધ કરવામાં આવે અને વરસાદી પાણીના વહેણ માટે બનાવાયેલી કાંસમાં પાણી સરળતાથી વહે છે કે નહીં તેની તકનિકી તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે. એમણે કહ્યું કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો વરસાદી કાંસનો મૂળ હેતુ સિદ્ધ ન થતો હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.