Gujarat

ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત

By GS Team
6 Aug 20265 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે નકલી એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને હોટલ-રેસ્ટોરન્ટમાં તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. AMCના ડૉ. તેજસ શાહે જણાવ્યું કે, વધુ નફા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને ડેરીઓ પર સઘન ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી થશે. ગ્રાહકોને બ્રાન્ડેડ પનીર વાપરવા અને શંકા જણાયે કોર્પોરેશનને જાણ કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત

Gujarat Complete Ban Analog Paneer: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને હોટલ-રેસ્ટોરન્ટમાં તેના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે AMCના એડિશનલ MOH ડૉ. તેજસ શાહે કહ્યું કે, 'વધુ નફો કમાવવાની લ્હાયમાં દૂધના પનીરની આડમાં વેચાતા ઓઇલ અને સ્ટાર્ચયુક્ત નકલી પનીર બનાવતા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને ડેરીઓ પર હવે સઘન ચેકિંગ હાથ ધરી સીલિંગ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ વહીવટીતંત્ર દ્વારા ગ્રાહકોને અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત જાતે પારખવાની રીત, AMCની લેબોરેટરી ટેસ્ટિંગ પ્રક્રિયા અને સાવચેતીના ભાગરૂપે માત્ર ખુલ્લાને બદલે બ્રાન્ડેડ પનીરનો જ આગ્રહ રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા છે.'

ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

AMCના એડિશનલ MOHએ વધુમાં જણાવ્યું કે, 'છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અને રાજ્યના અલગ-અલગ શહેરોમાં મિલ્ક પનીરના નામે જે નકલરૂપ એનાલોગ પનીરનું વેચાણ થઈ રહ્યું હતું, તેના વિરુદ્ધ અમારી સતત ડ્રાઇવ ચાલુ હતી. અમે છેલ્લા છ મહિનામાં પનીરના અંદાજે 220 જેટલાં સેમ્પલ લીધા હતા, જેમાંથી 57 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા અને 23 જેટલાં નમૂનાઓમાં નકલી એનાલોગ પનીર મળી આવ્યું હતું. કેટલાંક લેભાગુ તત્વો વધુ નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરતા હતા, કારણ કે અસલી મિલ્ક પનીર અને એનાલોગ પનીરના ન્યુટ્રીશન મૂલ્યોમાં ઘણો તફાવત હોય છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે લોકોના સ્વાસ્થ્યના હિતમાં પ્રશંસનીય અને કડક નિર્ણય લીધો છે કે, કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને બનાવાતા નકલરૂપ એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન તેમજ હોટલ-રેસ્ટોરન્ટોમાં તેના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો હવેથી કોઈ આ નિયમનો ભંગ કરતું જણાશે, તો કાયદેસરની જોગવાઈઓ હેઠળ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.'

જાણો અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત

આ પ્રતિબંધનો અમલ કઈ રીતે કરાવવામાં આવશે અને ગ્રાહકો અસલી તથા નકલી પનીરનો તફાવત કઈ રીતે ઓળખી શકે તે અંગે જણાવ્યું કે, 'એનાલોગ પનીર બનાવતા મેન્યુફેક્ચરિંગ યુનિટો મોટેભાગે શહેરના આઉટસ્કર્ટ્સમાં હોવાથી તંત્રનું ખાસ ધ્યાન બહારથી પનીર મંગાવતી ડેરીઓ પર રહેશે. તે સાથે જ હોટલો-રેસ્ટોરન્ટોમાંથી પણ મહત્તમ પ્રમાણમાં સેમ્પલો લેવામાં આવશે. જો સેમ્પલના રિઝલ્ટમાં આવી ભેળસેળ જણાશે, તો તેમની વિરુદ્ધ જીપીએમસી એક્ટ હેઠળ સીલિંગની અને એફએસએસએઆઈ એક્ટ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને કેસ દાખલ કરવાની કાર્યવાહી કરાશે. લોકો માટે પણ આ બંને પનીર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. અસલી મિલ્ક પનીર અત્યંત સોફ્ટ હોય છે, તેનો સ્વાદ દૂધ જેવો હોય છે અને ઉકાળતાં તે સરળતાથી સોફ્ટ થઈ જાય છે, જ્યારે એનાલોગ પનીર દબાવવાથી રબરી અને ઇલાસ્ટિક ટેક્સચર ધરાવે છે, તેનો સ્વાદ ઓઈલી કે ન્યુટ્રલ હોય છે અને ઉકાળવા છતાં તે પોતાની ઓઈલી ઇલાસ્ટિસિટી છોડતું નથી. આવી કોઈ શંકાસ્પદ બાબત જણાય તો ગ્રાહકો તુરંત કોર્પોરેશનને જાણ કરી શકે છે.'

એનાલોગ પનીરની ટેસ્ટિંગ પ્રક્રિયા, લેબોરેટરીની ક્ષમતા વિશે MOHએ શું કહ્યું?

એનાલોગ પનીરની ટેસ્ટિંગ પ્રક્રિયા, લેબોરેટરીની ક્ષમતા અને તેમાં લાગતો સમયગાળા અંગે MOHએ જણાવ્યું કે, 'નાગરિકો ઓન-સાઇટ કે ઘરેથી પ્રાથમિક અંદાજ લગાવી શકે છે, પરંતુ પનીરનું સત્તાવાર અને અધિકૃત ટેસ્ટિંગ એફએસએસએઆઈ માન્ય લેબોરેટરીમાં થાય છે. જ્યાં પનીરના ધોરણો અને મિલ્ક ફેટના પર્સન્ટેજ ચકાસીને જો તે યોગ્ય ન હોય તો તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાય છે. લેબોરેટરીમાં પનીરના સેમ્પલના પરીક્ષણ માટે ઓછામાં ઓછા 3થી 4 દિવસનો સમય અનિવાર્યપણે લાગે છે. કાયદાકીય જોગવાઈ હેઠળ એફએસએસએઆઈ લગભગ 14 દિવસનો સમય આપતી હોય છે, પરંતુ AMC દ્વારા વધુમાં વધુ 7 દિવસની અંદર પનીરના સેમ્પલોના રિઝલ્ટ્સ જાહેર કરી દેવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરાય છે.'

ઓન-સ્પોટ ટેસ્ટિંગના સાધનો, ઘરગથ્થુ ચકાસણીની મર્યાદા અને કાયદા વિશે તેજસ શાહે જણાવ્યું કે, 'ઓન-સ્પોટ ટેસ્ટિંગ માટે અમારી પાસે મેજિક કીટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જે પનીરમાં સ્ટાર્ચનું પ્રમાણ દર્શાવી શકે છે, પરંતુ તેમાં વેજીટેબલ ઓઈલની હાજરી છે કે નહીં તે જાણવા માટેના વિશેષ પરીક્ષણો માત્ર લેબોરેટરીમાં જ શક્ય બને છે. લોકો પોતાના ઘરે બોઇલિંગ ટેસ્ટ કે પ્રેસ ટેસ્ટ દ્વારા પ્રાથમિક શંકા નક્કી કરી શકે છે, પણ કાનૂની સ્તરે તેના પર નકલી એનાલોગ પનીર હોવાનો આખરી સિક્કો લેબોરેટરી ટેસ્ટિંગના આધારે જ લગાવી શકાય છે. જોકે, આ પ્રતિબંધના નિર્ણયથી ખૂબ જ મોટો ફરક પડશે. હોટલ એસોસિએશનો અને તમામ વિક્રેતાઓને આ કડક આદેશથી વાકેફ કર્યા છે અને જો કોઈ તેમ છતાં આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો ગંભીર પગલાં ભરાશે, જેના કારણે 100% એનાલોગ પનીરનું વેચાણ બંધ થઈ જશે.'

નાની દુકાનો કે લારીઓ પર ચકાસણીનો પડકાર અને પ્રોડક્શન યુનિટ્સ પર કડક કાર્યવાહી અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, 'દરેક નાની-મોટી હોટલો, દુકાનો કે પનીરની વાનગીઓ વેચતી લારીઓ પર રોજિંદા ધોરણે ટેસ્ટિંગ કરવું વ્યવહારિક રીતે ખૂબ મોટો પડકાર છે અને બધી જગ્યાએ એકસાથે ટેસ્ટિંગ થઈ શકતું નથી, પરંતુ જ્યાં પણ ટેસ્ટિંગ કરાશે ત્યાં કડક રિઝલ્ટ્સ મેળવીશું. તંત્રનું ખાસ ધ્યાન પનીરનું વેચાણ કરતી ડેરીઓ અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર રહેશે. એનાલોગ પનીરનું પ્રોડક્શન હવે કાયદેસર રીતે સદંતર પ્રતિબંધિત હોવાથી, જો પનીર બનાવતા કોઈ પણ લાયસન્સ ધરાવતા યુનિટ પર વેજીટેબલ ઓઈલ કે સ્ટાર્ચ જેવી સામગ્રી જોવા મળશે, તો તે યુનિટને તાત્કાલિક સીલ કરવા સુધીનાં કડક પગલાં લેવાશે અને કોઈ બચી શકશે નહીં.'

આ પણ વાંચો: નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

જાહેર જનતાની જાગૃતિ અને સાવચેતીને લઈને AMCના એડિશનલ MOHએ જણાવ્યું કે, 'જાહેર જનતાની જાગૃતિ માટે મારો ખાસ એટલો જ મેસેજ છે કે બને ત્યાં સુધી ખુલ્લામાં વેચાતું પનીર વાપરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. ગ્રાહકોએ હંમેશાં બ્રાન્ડેડ પનીર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેના પેકિંગ પર તેના ફેટ પર્સન્ટેજ અને વપરાયેલા તમામ ઇન્ગ્રીડિઅન્ટ્સની વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી હોય. તેમ છતાં, જો પનીર ખરીદતી કે વાપરતી વખતે તમને ગુણવત્તા બાબતે સહેજ પણ શંકા જણાય, તો તુરંત જ કોર્પોરેશનમાં તેની ફરિયાદ નોંધાવો, કોર્પોરેશન ચોક્કસપણે આવા લેભાગુ તત્ત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેશે.'