Gandhinagar

નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ 5 ઓગસ્ટે ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. 6 ઓગસ્ટે ગાંધીનગર મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટ્સમાં તપાસ શરૂ કરી. પનીર-ચીઝ એનાલોગનો ઉપયોગ કરનારા સામે 'ફૂડ સેફ્ટી એક્ટ' હેઠળ કડક કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

Dairy Analog Products In Gandhinagar: લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ખાદ્યપદાર્થોમાં નકલી કે ડુપ્લીકેટ ડેરી ઉત્પાદનોનો વપરાશ નાથવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આદેશાનુસાર કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા ગઈકાલે (પાંચમી ઓગસ્ટ) પ્રોહિબિશન ઓર્ડર (પ્રતિબંધિત આદેશ) બહાર પાડીને સમગ્ર ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

આ સરકારી આદેશના પગલે આજે (છઠ્ઠી ઓગસ્ટ) ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરભરમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાદ્યપદાર્થો બનાવતા એકમોના રસોડામાં જઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પનીર અને ચીઝ એનાલોગના ઉપયોગ પર નજર

તપાસ દરમિયાન અધિકારીઓ એ બાબતની ખાતરી કરી રહ્યા છે કે રસોડામાં પનીર એનાલોગ, ચીઝ એનાલોગ કે અન્ય કોઈ પણ પ્રકારના કૃત્રિમ અથવા ડુપ્લીકેટ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં ન આવે.

આ પણ વાંચો: Explainer: ગુજરાતમાં જે એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ લાગ્યો, તે ઘરે કેવી રીતે ચેક કરી શકાય!

'ફૂડ સેફ્ટી એક્ટ' હેઠળ થશે કડક કાર્યવાહી

શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO)ને ડેરી એનાલોગ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ચેકિંગ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. જો તપાસ દરમિયાન કોઈ પણ વેપારી કે રેસ્ટોરન્ટ સંચાલકની કસ્ટડીમાંથી આવી પ્રતિબંધિત પ્રોડક્ટ્સ મળી આવશે અથવા તેનો ઉપયોગ થતો જણાશે, તો તેમની સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.