- ગ્રેબિંગ કમિટીએ જરૂરી તપાસ કરીને હુકમ કર્યો
- જીટોડિયા રહેતા નિવૃત્ત શિક્ષકે વતન સારોલમાં આવેલું પોતાનું મકાન ખાલી કરવાનું કહેતા ભાઈએ ધમકી આપી
આણંદ : બોરસદ તાલુકાના સારોલ ગામના મૂળ વતની અને હાલ જીટોડીયા ખાતે પરિવાર સાથે નિવૃત્ત જીવન ગુજારતા વૃદ્ધ શિક્ષકનું સારોલમાં વેચાણ જમીન લઈને બનાવેલું મકાન મોટાભાઈએ ગેરકાયદે પચાવી પાડયું હોવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ મામલે ભાદરણ પોલીસે લેન્ડ ગ્રેબિંહગ હેઠળ ઞુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ સારોલ ગામેના વતની અને હાલ જીટોડીયા ગામે રહેતા કિરીટભાઈ રમેશભાઈ નિવૃત્ત જીવન ગુજારે છે. કિરીટભાઈના પિતા ૨૦૧૨મા અને માતા ૨૦૧૯મા અવસાન પામ્યાં હતાં. કિરીટભાઈ રમેશભાઈએ પોતાની શિક્ષકની નોકરી દરમિયાન તારીખ ૬-૧૦-૧૯૯૪ના રોજ પોતાના મૂળ વતન સારોલ ગામે ઉગમણો ભાગમાં આવેલા સારોલ ગ્રામ પંચાયતની મિલકત રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખી હતી અને ત્યારથી આ જમીન કિરીટભાઈની માલિકીની હતી.
આ જમીનમાં કિરીટભાઈએ લોન લઈને પાકા ચણતર વાળું મકાન બનાવ્યું હતું અને પોતાની શિક્ષકની નોકરીના કારણે પત્ની અને બાળકો સાથે વતનથી બહારગામ રહેતાં હતાં. જે-તે સમયે કિરીટભાઈના મકાનમાં તેઓના માતા-પિતાને રહેવા માટે આપ્યું હતું. પરંતુ કિરીટભાઈના માતા-પિતા ગુજરી ગયા બાદ કિરીટભાઈ જીટોડીયા ખાતે પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યાં હતાં. વતન સારોલ ગામે આવેલું મકાન બંધ હાલતમાં ખાલી પડી રહેતું હતું. કિરીટભાઈ અને તેમના અન્ય પરિવારજનોને જાણવા મળ્યું હતું કે, ગત તારીખ ૨૫-૧-૨૦૨૫ના રોજથી તેઓના બંધ ખાલી પડેલા મકાનમાં તેઓના સગા મોટાભાઈ અશોકભાઈ રમેશભાઈ રહેવા આવેલા છે. જેથી કિરીટભાઈ અને અન્ય પરિવારજનો સારોલ ગામે આવીને તપાસ કરતાં તેઓના મકાનમાં મોટાભાઈ અશોકભાઈ રહેતા હોવાથી કિરીટભાઈએ મકાન પોતાની માલિકીનું હોવાથી ખાલી કરવા માટે જણાવતા અશોકભાઈએ જણાવેલ કે, આ મકાન મારૂ છે ખાલી નહીં કરું તારાથી જે થાય તે કરી લેજે અને હવે પછી મકાન ખાલી કરવાની વાત કરીશ નહીં તેમ કહી ધમકીઓ આપી હતી. આખરે આ બાબતે કિરીટભાઈએ આણંદ કલેકટર કચરીમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. જે કમિટીએ જરૂરી તપાસ કરી ગુનો નોંધવાનો હુકમ કરતાં ભાદરણ પોલીસે કિરીટભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે અશોકભાઈ રમેશભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


