પ્રેમ સંબંધ તોડી નાંખનાર યુવતી પર હુમલો કરતા યુવક સામે ફરિયાદ

વડોદરા,પ્રેમ સંબંધની ના પાડનાર યુવતીનો સતત પીછો કરી હેરાન કરતા યુવક અને તેના મિત્રો સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વાઘોડિયા રોડ હિરાબા નગરમાં રહેતો અક્ષય શંકરભાઇ વસાવા અને હું છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. ત્યારબાદ મારી સગાઇની વાત અન્ય યુવક સાથે ચાલતી હોઇ મેં એપ્રિલ - ૨૦૨૫ માં અક્ષયને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. પરંતુ, અક્ષય મને અવાર - નવાર રસ્તામાં ઉભી રાખી ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ગત ૩૧ મી તારીખે અક્ષય મને મળવા આવ્યો હતો. જે યુવક સાથે મારી સગાઇની વાત ચાલતી હતી. તે યુવક પણ આવ્યો હતો. અક્ષય વસાવાએ મને ગાળો બોલી બે તમાચા મારી દીધા હતા. તેની સાથે આવેલા સુનિલ અને નીરજે મારા ભાવિ મંગેતરને માર માર્યો હતો. લોકોએ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો.








