Gujarat

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ

By GS TEAM
15 Dec 20251 min read
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે  દુર્ગંધ મારતું કેમિકલ છોડનાર ટેન્કર  ચાલક સામે ફરિયાદ
symbolic
વડોદરાઃ વડોદરાની આસપાસના વિસ્તારોમાં કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા નદી-નાળામાં દૂષિત કેમિકલ ઠલવાતું હોવાના કિસ્સા બનતા હોય છે.જે બાબતે પોલીસે અગાઉ ગુના પણ નોંધેલા છે.આવા જ એક બનાવમાં દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે દુર્ગંધ મારતું પ્રવાહી છોડનાર ટેન્કરના ડ્રાઇવર સામે ગુનો નોંધાયો છે.

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ગઇ તા.૧૬મી ઓક્ટોબરની સાંજે મુંબઇ- વડોદરા પાસે ફાજલપુર-સાકરીયાપુરા રોડ પર એક  ટેન્કરમાંથી પાછળનો વાલ્વ ખોલીને તીવ્ર દુર્ગંધ મારતું પ્રવાહી છોડવામાં આવી રહ્યું હોવાથી હાઇવે પેટ્રોલિંગ કરતી ટીમે  પોલીસને બોલાવી હતી.

નંદેસરી પોલીસે ડ્રાઇવરની  પૂછપરછ કરતાં તેણે કહ્યું  હતું કે,તે પાદરા જીઆઇડીસી કેનાલ પાસે ઉભો હતો ત્યારે કોઇ અજાણ્યો શખ્સ પાદરાની કોઇ કંપનીમાં લઇ ગયો હતો અને પ્રવાહી ભરાવ્યું હતું.જેથી પોલીસે ટેન્કર કબજે કરી ફોરેન્સિક વિભાગ તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની મદદ લઇ કાર્યવાહી કરી હતી.

ઉપરોક્ત બનાવના બે મહિના પછી ફોરેન્સિક વિભાગના  રિપોર્ટમાં ટેન્કરમાંથી છોડાયેલું કેમિકલ ઝેરી અને તેનાથી માનવ જિંદગી તેમજ પર્યાવરણને નુકસાન થાય તેમ હોવાનું ખૂલતાં પોલીસે  ટેન્કરના ચાલક સાગર ચમનાજી પ્રેમાજી પટેલ(ચૌધરી) (ઓલા,કલોલ,ગાંધી નગર મૂળ ધનસોર, બનાસ કાંઠા)અને પ્રવાહી  ભરાવનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે.