Jamnagar : જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતો અને દરેડના એક કારખાનામાં કામ કરતો વિકી અરવિંદભાઈ પરમાર નામનો કંસારા યુવાન એક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હતો, અને 30 ટકા લેખે રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરાતાં આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રાંદલનગર વિસ્તારમાં રહેતા લાલાભાઇ દરબાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વિકી પરમારને અગાઉ ઘઉં નો ધંધો હતો, જેમાં ખોટ ગઈ હોવાથી લાલા દરબાર પાસે 50 હજાર રૂપિયા દૈનિક વ્યાજ પર લીધા હતા. જેનું અઢી લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દીધું હતું, તેમ છતાં લાલા દરબાર દ્વારા ધાકધમકી અપાતી હતી, અને પઠાણી ઉઘરાણી કરાતી હતી, ઉપરાંત બે કોરા ચેક પણ ઝુંટવી લેવાયા હતા. જેના ત્રાસથી કંટાળી આખરે વિકી પરમારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


