નડિયાદની 'દિનશા પટેલ નર્સિંગ કોલેજ'ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી
એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો : 'સ્મિત' નામના શખ્સની એન્ટ્રી અને તેની રહસ્યમય ભૂમિકાએ અનેક સવાલો ઉભા કર્યા
નડિયાદના મંજીપુરા રોડ પર આવેલા તીર્થ એવન્યુમાં રહેતા ૨૦ વર્ષીય જય વિજયકુમાર પાટીલે રવિવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે મેડમ દ્વારા કોઈ પણ પુરાવા વગર કરવામાં આવતા ખોટા બ્લેમ અને ટોર્ચરનો ઉલ્લેખ કર્યો હતો. એફઆરઆઈની વિગતો મુજબ, કોલેજની મહિલા પ્રોફેસર શહેરીન મેડમ વિશે ગંદી કોમેન્ટ કરી હોવાના આક્ષેપ સાથે સ્મિત નામના શખ્સે જયને ૨૮ જાન્યુઆરીના રોજ ક્લાસમાંથી બહાર બોલાવ્યો હતો. આ શખ્સ જયને કોલેજ કેમ્પસની બહાર લઈ ગયો હતો અને ત્યાં તેને અપશબદો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતા ત્યાં વધુ જણાય છે, જ્યારે એ જ દિવસે રાત્રે જય જ્યારે નડિયાદ કોલેજ કેનાલ પાસે આવેલા 'બાપના બગીચા' પાસે ગયો ત્યારે સ્મિત તેની સાથે અન્ય ૨૫થી ૩૦ જેટલા અજાણ્યા શખ્સોનું ટોળું લઈને ત્યાં પહોંચ્યો હતો. આ ટોળાએ જયને ઘેરી લઈને કોલેજ છોડી દેવા માટે દબાણ કર્યું હતું અને ધમકીઓ આપી હતી. એક કમેન્ટના મામલે આટલું મોટું ટોળું એકઠું કરવું એ શું કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું? જયના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પ્રોફેસરો અને સ્મિતે મળીને તેને માનસિક રીતે તોડી નાખ્યો હતો. આ સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો તો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવાનું રટણ કરી રહ્યા છે, પરંતુ આરોપીઓની ધરપકડમાં થઈ રહેલો વિલંબ અનેક આશંકાઓ જન્માવી રહ્યો છે.નવાઈની વાત એ છે કે, જો કોઈ વિદ્યાર્થીએ શિસ્તભંગ કર્યોે હોય તો તેની સામે કોલેજ સ્તરે કાર્યવાહી કરવાને બદલે આ સ્મિત નામના શખ્સને કેમ આગળ કરવામાં આવ્યો? અને કોના કહેવાથી અથવા કયા કારણોસર સ્મિતે આ પ્રકારે જય પાટીલને કોલેજની બહાર ગેંગસ્ટરની જેમ ધમકી આપવા જવું પડયુ? શું સ્મિત કોલેજ પ્રશાસનનો જ કોઈ છુપો હિસ્સો છે? કે પછી સ્મિતના કોઈ અંગત પ્રકારના રસમાં તેણે જય પાટીલને ધમકાવ્યો હતો? તે તમામ બાબતો ચર્ચાના એરણે છે. આ આપઘાત કાંડમાં આ પ્રશ્ન હાલ નડિયાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
- 'સ્મિત'ની સત્તા અને કોલેજ પ્રશાસનની મૌન સંમતિ ?
'સ્મિત' કોલેજમાં કયા હોદ્દા પર છે અથવા તેની ભૂમિકા શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તે કોલેજના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરતો હોવાની વિગતો બહાર આવી છે. વિદ્યાર્થીને ક્લાસમાંથી બહાર લઈ જવાની અને ધમકાવવાની હિંમત તેને કોણે આપી? શું કોલેજ પ્રશાસનની મૌન સંમતિથી આ બધું થઈ રહ્યું હતું? આ સવાલનો જવાબ પોલીસ તપાસમાં મળવો ખૂબ જરૂરી છે.


