- વેકેશનમાં લાભને બદલે શીતપ્રેમી મુસાફરોને રેલવેના 'ટાઢા ઘા'
- વાતાનુકૂલિત શ્રેણીમાં મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા મે મહિનાનાં અંતિમ સપ્તાહથી નવી વ્યવસ્થા અમલી બનશે
રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૮ ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે. આ નિર્ણયને કારણે ઉનાળુ વેકેશન અને આગામી સમયમાં મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા મળશે તેમજ મુસાફરી વધુ આરામદાયક બનશે. જો કે બે મહિના બાદ ઉનાળો પૂરો થવા સમયે એસી કોચ લગાવવાથી આશ્ચર્ય પ્રસર્યું છે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વધારાના કોચ મે ૨૦૨૬ના અંતિમ સપ્તાહથી અલગ-અલગ તારીખોએ કાર્યરત થશે.
બીજી તરફ મુસાફરોએ કટાક્ષ કર્યો છે કે, રેલ્વે તંત્રએ એસી કોચની જરૂરિયાત સમજવામાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. અત્યારે માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી વરસવા લાગી છે, છતાં આવતો એપ્રિલ મહિનો તો નહીં, છેક મે મહિનાનો આકરો તાપ પણ તેના અંતિમ તબક્કા તરફ હશે અને ચોમાસાનાં આગમનની ઘડીઓ ગણાતી હશે ત્યારે આ વધારાના કોચ પાટા પર દોડતા થશે.
સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં એસી કોચમાં ભારે વેઇટિંગ જોવા મળતું હોય છે. રેલ્વેના આ નિર્ણયથી લાંબા ગાળે ફાયદો ચોક્કસ થશે, પરંતુ ચાલુ ઉનાળાનાં વેકેશનનો લાભ લેવા માંગતા મુસાફરો માટે આ વ્યવસ્થા ઘણી મોડી કહેવાશે. એટલે કે, જ્યારે શાળાઓ ખુલવાની તૈયારીમાં હશે અને ચોમાસાના એંધાણ હશે, ત્યારે રેલ્વેના એસી કોચ મુસાફરોને ઠંડક આપવા સજ્જ થશે!
|
કઈ ટ્રેનમાં ક્યારથી
વધારાશે કોચ ? |
||
|
ટ્રેન નંબર અને
નામ |
કોચ |
અમલ તારીખ |
|
૧૯૫૭૫/૭૬
ઓખા-નાથદ્વારા |
૪ + ૧ |
૨૭ મે (ઓખા),
૨૮ મે (નાથદ્વારા) |
|
૨૨૯૩૯/૪૦
ઓખા-બિલાસપુર |
૪ + ૧ |
૨૩ મે (ઓખા),
૨૫ મે (બિલાસપુર) |
|
૨૦૯૧૩/૧૪
રાજકોટ-દિલ્હી |
૪ + ૧ |
૨૧ મે (રાજકોટ),
૨૨ મે (દિલ્હી) |
|
૨૨૯૩૭/૩૮
રાજકોટ-રીવા |
૪ + ૧ |
૨૪ મે (રાજકોટ),
૨૫ મે (રીવા) |
|
૧૯૫૭૮/૭૭
જામનગર-તિરુવેલી |
૪ + ૧ |
૨૩ મે (જામ),
૨૬ મે (તિરુવેલી) |
|
૨૨૯૦૮/૦૭
હાપા-મડગાંવ |
૪ + ૧ |
૨૭ મે (હાપા),
૨૯ મે (મડગાંવ) |
|
૧૯૩૧૯/૨૦
વેરાવળ-ઈન્દોર |
૬ + ૧ |
૨૭ મે (વેરાવળ),
૨૬ મે (ઈન્દોર) |
|
૧૯૨૧૮/૧૭
વેરાવળ-બાંદ્રા |
૬ + ૧ |
૨૩ મે (વેરાવળ),
૨૨ મે (બાંદ્રા) |


