ઉત્તરઝોનમાં ૫૦ થી વધુ મિલ્કતોની આકારણીમાં કોભાંડની આશંકા

અમદાવાદ,મંગળવાર,14
ડિસેમ્બર,2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોનના ટેકસ વિભાગમાં
તંત્રની મિલીભગત બહાર આવવા પામી છે.કુબેરનગર તેમજ સૈજપુર સહિતના અલગ અલગ સ્થળોએ
આવેલી અલગ અલગ પચાસથી વધુ મિલ્કતોનો હાલમાં શોપ,ફેકટરી,
વર્કશોપ અને ગોડાઉન તરીકે વપરાશ કરવામાં આવી રહ્યો હોવા છતાં ટેકસ વિભાગ
દ્વારા આ મિલ્કતોની આકારણી માલિકી ધોરણે કરવામાં આવી છે.આ કારણથી મ્યુનિસિપલ
કોર્પોરેશનની ટેકસની આવકમાં ઘણી મોટી રકમનું નુકસાન થવા પામ્યુ છે.આ સમગ્ર કૌભાંડ
મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના જ પૂર્વ ટેકસ ઈન્સપેકટર દ્વારા વિજિલન્સ તપાસની
માંગણી કરવામાં આવી છે.
શહેરના ઉત્તરઝોનમાં અગાઉ અનિલ સ્ટાર્ચ મિલની આકારણી ઓછી
બતાવી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૃપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યુ હોવાનું
કૌભાંડ મ્યુનિ.ના પૂર્વ ટેકસ ઈન્સપેકટર પુનમ પરમાર દ્વારા બહાર લાવવામાં આવ્યુ
હતું.આ પૂર્વ ટેકસ ઈન્સપેકટરના કહેવા પ્રમાણે,ઉત્તરઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડના અલગ અલગ વિસ્તારો
ઉપરાંત સૈજપુર અને અન્ય વિસ્તારોમાં એક જ બિલ્ડર દ્વારા પચાસથી વધુ મિલ્કત
બાંધવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં આ બિલ્ડર દ્વારા ૧૬ મિલ્કત બાંધવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પૂર્વ કર્મચારી દ્વારા માહિતી
અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત આ બિલ્ડરની પચાસથી વધુ મિલ્કત પૈકી ૧૧ મિલ્કત
સેલ્ફ-ગોડાઉન,આઠ
મિલ્કતમાં સેલ્ફ-રેસીડેન્સ અને ચાર મિલ્કત ઉપર નાંખવામાં આવેલા મોબાઈલ ટાવર સહિતની
મિલ્કતો માટે જીપીએમસી એકટ-૧૯૪૯ના મેન્યુઅલ-૧ મુજબ માહિતી અને નકલ માંગવામાં આવી
હતી.વ્યવસાયવેરા વિભાગમાં પણ માહિતી માંગવામાં આવી હતી.અરજદારના કહેવા પ્રમાણે, પચાસથી વધુ
મિલ્કત પૈકી ૩૯ મિલ્કતમાં ગોડાઉન,ફેકટરી, વર્કશોપ સહિતનો
વપરાશ હોવા છતાં આ મિલ્કતમાં આકારણી કરવા માટે લોએસ્ટ ફકટરથી આકારણી કરી
મ્યુનિસિપલ ટેકસની આવકને તંત્રમાં ફરજ બજાવતા જે તે વોર્ડના વોર્ડ ઈન્સપેકટર અને
અધિકારીઓ દ્વારા મોટુ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે.આમ છતાં મ્યુનિસિપલ
ટેકસ વિભાગ દ્વારા અરજદારને માહિતી આપવાના બદલે માંગેલ માહિતી ટેનામેન્ટ નંબર
આધારીત હોઈ રેકર્ડ ઉપર ઉપલબ્ધ નથી એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાથી અરજદાર
દ્વારા મ્યુનિ.તંત્ર સમક્ષ આ મામલે વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતાની છત્રછાયા હોવાથી બિલ્ડરને લાભ અપાઈ રહ્યો
છે
અરજદારે આપેલી પ્રતિક્રીયા પ્રમાણે, ઉત્તરઝોનના
કોંગ્રેસના એક નેતાની છત્રછાયા આ બિલ્ડર ઉપર હોવાથી ઉત્તરઝોન ટેકસ વિભાગ હોય કે
એસ્ટેટ વિભાગ બંને વિભાગ દ્વારા આ બિલ્ડરની મિલ્કતોમાં આકારણી ઉપયોગના પ્રકાર
આધારીત ફેકટર મુજબ કરવામાં આવતી નથી.સામાન્ય કરદાતાની આકારણી કે ઉપયોગનો પ્રકાર
ઝડપથી ફેરવી નાંખવામાં કાબેલ મનાતા ઉત્તરઝોનના ટેકસ વિભાગના અધિકારીઓ કાર્યવાહી
કરવાના બદલે માહિતી છુપાવાના પ્રયાસ કરી રહ્યા છે.
મધ્યઝોનમાં પણ કોમર્શિયલ વપરાશ છતાં રહેણાંકના ધોરણે આકારણી
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા ઉપરાંત રાયપુર,દરીયાપુર,કાલુપુર અને
શાહપુર સહિતના અનેક વિસ્તાર આજે પણ પોળમાં રહેણાંક મિલ્કત અને રહેણાંક વસ્તી ધરાવે
છે.આમ છતાં મધ્ય ઝોનમાં આવેલી મોટાભાગની પોળમાં રહેણાંકમાં ગોડાઉન,શોપ કે અન્ય
પ્રકારથી વપરાશ થઈ રહ્યો હોવા છતાં મ્યુનિસિપલ ટેકસ વિભાગના વોર્ડ ઈન્સપેકટર કે
એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટર કયારેય વોર્ડમાં ઈન્સપેકશન માટે રાઉન્ડ લેતા
નથી.મોટી સંખ્યામાં રહેણાંક મિલ્કતમાં કોમર્શિયલ વપરાશ થઈ રહ્યો હોવા છતાં આ પ્રકારની
મિલ્કતોની આકારણી સેલ્ફ અથવા માલિકી ધોરણે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના
ચોપડા ઉપર ચાલી રહી છે.
આઈ.પી.સી.ની જોગવાઈ મુજબ કર્મચારી-અધિકારી સામે પોલીસ
ફરિયાદ થઈ શકે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ અને એસ્ટેટ
વિભાગના સ્ટાફ તરફથી તેઓ જે સંસ્થામાં ફરજ બજાવે છે એ સંસ્થાને જ આર્થિક નુકસાન
પહોંચાડવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એ કારણથી આવા કર્મચારીઓ અને અધિકારીઓ સામે
આઈ.પી.સી.ની કલમ -૧૬૬ મુજબ,આવા લોકો
સામે પોલીસ ફરિયાદ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનર કરી શકે
છે.
એસ્ટેટ વિભાગને ટેનામેન્ટ નંબરના આધારે મિલક્ત મળતી નથી
સ્માર્ટ સિટીની ગુલબાંગ હાંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ
વિભાગને ટેનામેન્ટ નંબર ઉપરથી મિલ્કત મળતી ના હોવાનું કહેવામાં આવે છે.ત્યારે સવાલ
એ થાય છે કે,મ્યુનિ.તરફથી
તેના કર્મચારીઓને આપવામાં આવતી તાલિમ માત્ર કાગળ ઉપર જ અપાય છે?




