- નડિયાદની 'દિનશા પટેલ કોલેજ'ના વિદ્યાર્થીના આપઘાત મામલે એસપી કચેરીએ ઉગ્ર દેખાવો
- સ્યુસાઈડ નોટમાં સ્ટાફના ત્રાસનો ઉલ્લેખ હોવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આનાકાની કરાતી હોવાનો આક્ષેપ, ડીવાયએસપીને તપાસ સોંપવા માંગ
નડિયાદ : નડિયાદની 'દિનશા પટેલ કોલેજ'ના આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત મામલે કોલેજ સ્ટાફના ત્રાસના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલી નીતિ અપનાવી આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કેસની તપાસ તાત્કાલિક ડીવાયએસપીને સોંપવા માટે માંગણી કરવામાં આવી રહી છે.
નડિયાદની 'દિનશા પટેલ' કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના આશાસ્પદ વિદ્યાર્થી 'જય પાટીલ'ના આપઘાત પ્રકરણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. આ ઘટનાને પગલે બુધવારે પીડિત પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છેે કે, 'જય'ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર છે અને મરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ તંત્ર આરોપીઓને છાવરવા માટે 'લેસન' ન કર્યાનું નબળું બહાનું આગળ ધરી રહ્યું છે. આટલી ગંભીર ઘટના બાદ પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકરોષ ફાટી નીકળ્યો છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, સ્થાનિક પોલીસની તપાસ રાજકીય અને આથક દબાણ હેઠળ હોવાનું જણાઈ રહ્યું છે, તેથી આ કેસની તપાસ તાત્કાલિક ધોરણે ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવી જોઈએ. અત્યાચાર ધારાની જોગવાઈઓ મુજબ કોલેજ સ્ટાફના સંડોવાયેલા વ્યક્તિઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો ઢીલી નીતિ ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને મરવા માટે મજબૂર કરવાના આ કૃત્યની તપાસમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે, કારણ કે, સ્યુસાઈડ નોટ જેવા મજબૂત પુરાવા હોવા છતાં હજુ સુધી નિવેદનો લેવાની તસ્દી પણ લેવામાં આવી નથી, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. આ મામલે જો ન્યાય નહીં મળે તો લડત વધુ તેજ કરવાની સમાજના આગેવાનોએ તૈયારી બતાવી છે.
મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈના પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ
મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે ત્રાસ આપનારાઓના નામ અને કારણો હોવા છતાં પોલીસ તેને સાઈડ પર રાખી રહી છે. પોલીસે આત્મહત્યાનું કારણ હોમવર્ક ન કર્યું હોવાનું બતાવીને સમગ્ર કેસને રફેદફે કરવાની દિશામાં કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ થતા પોલીસની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયા છે.
દબાણવશ તપાસ થતી હોવાની આશંકા
દલિત સમાજની રજૂઆત મુજબ, 'દિનશા પટેલ' કોલેજ એક મોટું શૈક્ષણિક સંસ્થાન હોવાથી તેના સંચાલકો કે સ્ટાફને બચાવવા માટે વહીવટી તંત્ર પર રાજકીય પ્રભાવ હોઈ શકે છે. આ સંજોગોમાં ન્યાયની તપાસ માટે તપાસ અધિકારી બદલવા અને કોલેજ સ્ટાફના જવાબદારોની ત્વરિત પૂછપરછ કરવાની માંગ ઉઠી છે. જો પોલીસ ન્યાય પક્ષે નહીં ઉભી રહે તો આગામી દિવસોમાં આ મામલો રાજ્ય સ્તરે પહોંચાડવાની પણ તૈયારી છે.


