Gujarat

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર : ખેડૂતોને વ્યાપક નુકસાન

By GS Team
1 Dec 20213 mins read
This article was originally published on 1 Dec 2021
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર : ખેડૂતોને વ્યાપક નુકસાન

- લગ્નની સિઝનમાં માવઠાથી લોકોએ રેઇનકોટ-છત્રીનો સહારો  લેવો પડયો : ખેતરમાં સુકવવા નાંખલા ડાંગર અને નાગલીના પૂળા ભીંજાયા

- સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 1.5 ઇંચ સાથે શહેર અને પાંચ તાલુકામમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો

સુરત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મંગળવારે રાતથી દક્ષિણ ગુજરાતમાં ઠેક-ઠેકાણે છુટાછવાયા વરસાદી ઝાપટા શરૃ થઇ ગયા હતા, જે બુધવારે પણ યથાવત રહેતા વાતાવરણ ઠંડુગાર થવા સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માવઠાંથી ખેતરમાં સુકવવા નાંખેલા ડાંગર અને નાગલીના પૂળા ભીંજાય જતાં ખેડૂતોને નુકસાન થયું હતુ. તો લગ્નની સિઝનમાં વરસાદને પગલે લોકોએ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડયો હતો. સુરતના ઉમરપાડામાં સૌથીવધુ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧.૫ ઇઁચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. મંગળવારે મોડીરાતે શરૃ થયેલો વરસાદ બુધવારે રાત સુધી જારી રહ્યો હતો. વાતાવરણ ઠંડુગાર થઇ જતા દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયા હતા.

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાથી ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે. દિવસ દરમિયાન જાણે ચોમાસું બેઠું હોય તેમ રીમઝીમ વરસાદ સાથે ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યુ હતું. જિલ્લામાં સૌથી વધુ ખેરગામમાં ૮ મી.મી સહિત ૧ મી.મી સુધી વરસાદ નોંધાયો હતો. મહત્તમ તાપમાન ૧૦ ડિગ્રી ઘટીને ૨૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતું.

ડાંગ જિલ્લામાં દિવસે ૬ કલાકમાં આહવામાં ૮વઘઇમાં ૫, સાપુતારામાં ૪, સુબિરમાં ૧ મી.મી વરસાદ વરસ્તા વાતાવરણ ઠંડુગાર બન્યું હતુ. ખેડૂતોએ કાપીને સુકવવા મુકેલા ડાંગર અને નાગલીના પૂળાને નુકસાન થયું હતુ. જ્યારે શિયાળું પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

વલસાડ જિલ્લામાં બુધવારે દિવસે ૧૦ કલાકમાં સૌથી વધુ વાપીમાં ૫ મી.મી સહિત તાલુકાઓમાં ૨ મી.મી સુધી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સવારે લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાવા સાથે ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુ. પડોશી સંઘપ્રદેશ દમણ અને દા.ન.હવેલીમાં પણ સવારથી ઝરમર વરસાદ જારી રહ્યો હતો. લોકોએ ફરજિયાત રેઈનકોટ અને છત્રીનો સહારો લેવો પડયો હતો. માવઠાથી ખેડૂતોની કમ્મર તૂટી ગઈ ેછે. કઠોળ પાક, ડાંગર, નાગલી અને ઘાસચારાને ભારે નુકસાન થયુું છે. દરિયા કાંઠે વસતા માછીમારોએ સૂકવેલા બુમલાને પણ ભારે નુકસાન થયું છે.

તાપી જિલ્લામાં પણ રીમઝીમ વરસાદ વરસ્યો હતો. વ્યારમાં ૩ મિમિ, વાલોડમાં ૨ મિમિ અને ડોલવણમાં ૪ મિમિ વરસાદ નોંધાયો હતો.

સ્વેટર પહેરવું કે રેઈનકોટ? વરસાદના કારણે નોકરી ધંધા પર જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા


શિયાળાના કારણે વહેલી સવારે નોકરી ધંધા માટે જતાં લોકો સ્વેટર કે કોટ જેવા ગરમ કપડાં પહેરીની જવા માટે તૈયારી કરતાં હતા પરંતુ વરસાદ પડતાં તેઓ કન્ફ્યુઝ થઈ ગયાં હતા. વરસાદ અને ઠંડી બન્ને સાથે હોવાથી કેટલાક લોકોએ ગરમ  કપડા ંપર રેઈન કોટ પહેર્યા હતા. ગઈકાલે બપોરે ગરમી લાગતી હતી અને ત્યા બાદ વરસાદ અને ઠંડી બન્નેનો ચમકારો થતાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થતાં સુરતીઓ બેચેન બની ગયા ંછે. એક જ દિવસમામં ત્રણ ઋતુ હોવાના કારણે સુરતીઓના આરોગ્ય પર માઠી અસર થાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ દોઢ ઇંચ સુધી વરસાદ ખાબક્યો

ઉમરપાડા    1.5

કામરેજ       1.0

બારડોલી      0.5

ચોર્યાસી       0.5

માંગરોળ     0.5

 

પલસાણા     0.5

સુરત શહેર   0.5