Gujarat

જામનગરમાં ઠંડીનો ધ્રુજારો, પ્રતિ કલાકના 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાથી લોકો અને પશુ પક્ષીઓ ઠુંઠવાયા

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
જામનગરમાં ઠંડીનો ધ્રુજારો, પ્રતિ કલાકના 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાથી લોકો અને પશુ પક્ષીઓ ઠુંઠવાયા

- ઠંડીનો પારો ફરીથી નીચે ગગડીને 15.૦ ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારે ટાઢોડું: ભેજના કારણે માર્ગો ભીના થયા

 જામનગર તા ૩૦, 

જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ પછી ઠંડીએ પ્રવેશ કરી લીધો છે, અને પ્રતિ કલાકના 35 થી 4૦ કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને લઈને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓ ઠૂંઠ વાયા છે. સાથોસાથ ઠંડીનો પારો ધીમે ધીમે પરત ફરીને 15 ડીગ્રીએ નીચે આવી ગયો હોવાથી, તેમજ વહેલી સવારે ઝાકળભર્યું વાતાવરણ હોવાના કારણે ટાઢોડું છવાયું છે.

જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ માટે વરસાદી માહોલ રહ્યા પછી ગઈકાલથી તેમાં બદલાવ આવ્યો હતો, અને આકાશમાંથી વાદળો હટી જતાં ફરીથી શિત લહેર જોવા મળી હતી. જેની સાથે સાથે પવનની તીવ્રતામાં વધારો થઇ ગયો હતો, અને પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જે વધીને 4૦ કિમી સુધી પહોંચ્યા છે. જેને લઇને મોડી સાંજે ઠંડીની ધ્રુજારી અનુભવાઈ હતી. આજે વહેલી સવારે પણ ભેજનું પ્રમાણ 81 ટકા જેટલું થઈ જતાં ઝાકળ ભીની સવાર થઈ હતી, અને માર્ગો ભીંજાયા હતા.

ઝાકળની સાથે ઠંડીનો પારો પણ નીચે રહ્યો હોવાથી વહેલી સવારે લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 15.૩ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 26.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦થી ૩5 કિ.મી.ની ઝડપે રહી હતી, જે વધીને 4૦ કિમી સુધી પણ પહોંચી હતી.