Get The App

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો 1 - image

- 12 દિવસમાં બીજીવાર તપાસ છતાં કડક પગલાંનો અભાવ

- તંત્રએ ગંદકી અને સ્વચ્છતાના મામલે કાર્યવાહી કરવાના બદલે માત્ર સેમ્પલ લઈને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ 

નડિયાદ : નડિયાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનોમાં જાણીતી 'ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરી' રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાંથી વંદો નીકળવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલા ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી માત્ર દાળના સેમ્પલ લઈને કામગીરી પૂર્ણ કરી દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

નડિયાદની 'જ્યોતિ દાળપૂરી' રેસ્ટોરન્ટમાં બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. ચોક્કચ હોટલોને ટાર્ગેટ કરી સફાઈ માટે દંડ કરતો મનપાનો સેનેટરી વિભાગ ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી તો દૂર પણ તપાસ કરવામાં પણ પાંગળો સાબિત થઈ રહ્યો છે. આ જ્યોતિ દાળપૂરી રેસ્ટરન્ટના કિસ્સામાં ૧૨ દિવસના ટૂંકા ગાળામાં બીજીવાર ફરિયાદ ઉઠી હોવા છતાં ફૂડ વિભાગે માત્ર સેમ્પલ લેવાની ઔપચારિકતા નિભાવી છે. સેનેટરી વિભાગે સ્થળ પર જઈને રસોડાની સફાઈ અને હાઈજીન ચેક કરવાની જરૂર હતી, પરંતુ તંત્રએ હોટલ સંચાલકોને છાવરવા માટે હોય તેમ આ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ જાણે ફૂડ વિભાગની કાર્યવાહીના નામે સમય આપી અને હોટલનું રસોડું સ્વચ્છ કરવાનો સમય આપ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ફૂડ વિભાગની ઢીલી નીતિ પણ લોકોમાં રોષનું કારણ બની છે. અગાઉ ૨૫ તારીખે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી, ત્યાં ફરી એકવાર નવી ઘટના બની છે. લેબોરેટરીના રિપોર્ટ આવતા એક મહિના જેટલો સમય લાગે છે, જે દરમિયાન ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા રહે છે. ડિલિવરી બોક્સમાં વંદો કઈ રીતે પહોંચ્યો તેની તપાસ કરવાના બદલે ફૂડ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટની રાહ જોવી એ માત્ર સમય પસાર કરવાની નીતિ હોય તેમ જણાય છે. નડિયાદની જનતા હવે આ મામલે મનપા તંત્ર અને ખાસ કરીને સેનેટરી વિભાગ દ્વારા લેવાનારા કડક પગલાની રાહ જોઈ રહી છે.

તંત્રની સંયુક્ત તપાસનો અભાવ

નડિયાદ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણી-પીણીના એકમોમાં ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ અને સેનેટરી વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓચિંતી તપાસ કરવાની તાતી જરૂર છે. માત્ર સેમ્પલ લેવાથી પ્રશ્ન ઉકેલાતો નથી, પરંતુ અખાદ્ય સામગ્રીનો વપરાશ અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકતી ગંદકી દૂર કરવા માટે તમામ સ્થાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરોડા પાડવા અનિવાર્ય બન્યા છે.