Gujarat

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો

By GS TEAM
13 Nov 20252 mins read
ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો

એક વર્ષમાં જ બીજી વખત ગંભીર દુર્ઘટના સિમેન્ટ - કોંક્રિટના કાટમાળ સાથે ત્રણ શ્રમિકો દરિયાનાં પાણીમાં ખાબકતાં નેવી અને મરીન પોલીસ દ્વારા રેસ્ક્યૂ, ઉચ્ચસ્તરીય તપાસની ગતિવિધિ શરૂ

દ્વારકા, ખંભાળિયા, : સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા ઓખા બંદરે દોઢ વર્ષથી નિર્માણ પામી રહેલી કોસ્ટગાર્ડ જેટીનો 1 પીલર આજે સવારે ધડાકાભેર ધરાશાયી થઈ જતાં અફરા - તફરી મચી ગઈ હતી. વિશાળ જેટીના તૂટેલા એક ભાગના સિમેન્ટ - કોંક્રિટના કાટમાળ સાથે ત્રણ શ્રમિકો પણ દરિયાના પાણીમાં ખાબક્યા હતાં. સદનસીબે નેવી અને મરીન પોલીસે તુરંત રેસ્ક્યૂ હાથ ધરીને ત્રણેય મજૂરોને બહાર કાઢી સારવાર માટે મીઠાપુર હોસ્પિટલે ખસેડયા હતાં. 

ઓખા બંદરે ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેટી ઉપલબ્ધ છે, જે આયાત - નિકાસ સહિતની કામગીરી માટે વપરાય છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સરહદના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વ હોવાથી અહીં ઈન્ડિયન કોસ્ટગાર્ડ માટે પણ અદ્યતન જેટી બનાવવા માર્ચ - 2024થી કામગીરી ચાલુ છે. હાલ કોન્ટ્રાકટર કંપની બી.એમ.એસ. દ્વારા અંતિમ તબક્કામાં પાઈલ ડ્રાઈવિંગ, કોન્ક્રીટીંગ અને સ્ટ્રકચરલ વર્ક કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે સવારે વિશાળ પીલર સાથે જેટીનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે ત્રણ કામદારો દરિયામાં ખાબક્યા હતાં. સદનસીબે તેમને બચાવી લેવાયા હતાં અને ગંભીર ઈજા પણ થઈ નહોતી. આ મામલે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, પીલર તૂટવાનું કારણ તપાસીને કાર્યવાહી કરવામાં આવશે. કોઈ જાનહાની થઈ નથી એ રાહતની વાત છે.