વડોદરા : ગોવાથી દિલ્હી જઈ રહેલી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં વર્ષ ૨૦૨૩માં હચમચાવનારી ઘટના બની હતી.ટ્રેનના એસી કોચમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે બે કોચમાં મુસાફરી કરી રહેલી ૧૩ વર્ષ અને ૯ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાઓ કર્યા હતા. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપી એટેન્ડન્ટને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર છેરવી પાંચ વર્ષની સખ્ત કેદ તેમજ રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી
ત્યાર બાદ એ.સી.કોચના એટેન્ડન્ટ
યોગેશકુમાર રામભુલસિંહ રાજપૂત (રહે.શરીફપુર, જિ.બુંલન્દ શહેર,ઉત્તરપ્રદેશ)
નામના ૪૫ વર્ષના નરાધમ શખ્સે રાત્રીના બે
વાગ્યા બાદ બે અલગ-અલગ એ.સી.કોચમાં મુસાફરી કરી રહેલી ૧૩ વર્ષ અને ૯ વર્ષની બે
બાળકીઓ સાથે અડપલા કરતા ભારે ભયનો માહોલ ફેલાયો હતો. બાળકીઓએ બૂમાબૂમ કરતા છેડતી કરનારા શખ્સને પેસેન્જર તેમજ બાળકીના
વાલીએ કોચમાંથી જ ઝડપી પાડયો હતો. જે સમયે આ બનાવ બન્યો તે સમયે ટ્રેનમાં મુસાફરી
કરતી મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઉભો થયો હતો.
આ અંગેનો કેસ વડોદરાની કોર્ટમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ
એચ.આર.જોષી હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, આરોપીએ
જાણીજોઈને સગીર બાળકીઓની જાતીય સતામણી કરી છે. આ કેસમાં ૮ સાક્ષી અને ૧૫ દસ્તાવેજી
પુરાવા તપાસવામાં આવ્યાં હતા. બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ
ન્યાયાધીશે આરોપી યોગેશકુમાર રાજપૂતને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો
હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, બાળકીઓની જાતીય
સુરક્ષા સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.


