Adani CNG price hike 2026: દેશમાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ચિંતિત છે, ત્યાં હવે CNG પણ ખિસ્સા ખાલી કરી રહ્યો છે. વાહનચાલકો પર મોંઘવારીનો ડબલ ડોઝ ઝીંકતા CNGના ભાવમાં ફરી એકવાર મોટો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અદાણી સીએનજી (Adani CNG) અને દેશની રાજધાની દિલ્હીમાં આ કિંમતો વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે.
ગુજરાતમાં અદાણી CNG 2 રૂપિયા મોંઘો
ગુજરાતમાં વાહનચાલકોને મોટો આંચકો આપતા અદાણી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ચાલુ વર્ષ 2026 માં જ સીએનજીના ભાવમાં કુલ 8.60 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે.
નવો ભાવ: આ વધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
મે મહિનામાં બીજો ફટકો: આ અગાઉ હજુ ગત 16 મેના રોજ પણ કંપની દ્વારા 2.25 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો.
દિલ્હીમાં 11 દિવસમાં 4 વખત ભાવ વધ્યા!
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં (NCR) પણ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા આ વધારો કરાયો છે.
નવો ભાવ: ગઈકાલ સુધી દિલ્હીમાં જે CNG 81.09 રૂપિયા હતો, તે હવે 83.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
11 દિવસમાં 4 વખત વધારો: દિલ્હીમાં 26 મેના રોજ 2 રૂપિયા વધ્યા તે પહેલા, 23 મે (શનિવાર) ના રોજ પણ 1 રૂપિયાનો વધારવામાં આવ્યો હતો. મે મહિનામાં જ અત્યાર સુધીમાં રેકોર્ડ 4 વખત સીએનજી મોંઘો થયો છે.
શા માટે ગેસ સતત મોંઘો થઈ રહ્યો છે?
સીએનજીના સતત વધતા ભાવ પાછળ ગેસ વિતરણ કંપનીઓએ મુખ્યત્વે વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને કારણે સમગ્ર ગ્લોબલ માર્કેટમાં કુદરતી ગેસની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.મજબૂત ડોલરની આડઅસરને કારણે વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલર વધુ મજબૂત થયો છે. ભારત મોટા પાયે ગેસની આયાત કરે છે. ડોલર મોંઘો થવાના કારણે દેશમાં ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધી જાય છે.
આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક બજારના છૂટક ભાવો પર પડી રહી છે અને કંપનીઓ પોતાનો ખર્ચ સરભર કરવા માટે વારંવાર ભાવ વધારી રહી છે. સીએનજી મોંઘો થવાના કારણે આગામી દિવસોમાં રિક્ષા, ટેક્સી અને માલસામાનના ભાડા વધવાની પણ પૂરેપૂરી આશંકા છે, જે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધુ વધારશે.


