Gujarat

નડિયાદ એસ.ટી. વિભાગનો અણઘડ વહીવટ કઠલાલ- કપડવંજના મુસાફરોને ભારે તકલીફ

By GS Team
8 Jun 20202 mins read
This article was originally published on 8 Jun 2020
નડિયાદ એસ.ટી. વિભાગનો અણઘડ વહીવટ કઠલાલ- કપડવંજના મુસાફરોને ભારે તકલીફ

નડિયાદ, તા.8 જૂન 2020, સોમવાર

નડિયાદ એસટી વિભાગના અણઘડ વહિવટથી કઠલાલ અને કપડવંજના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. કલાકો ઉભા રહેવા છતાં બસો ન મળતાં મુસાફરોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે. હાલ કોરોનાને કારણે આશરે બે માસ સુધી બંધ રહેલ એસટી તંત્ર છેલ્લા દસ દિવસથી કાર્યરત થયું છે. જેમાં શરૃઆતના પાંચ દિવસ સુધી જીલ્લાની અંદર બસ સેવા ચાલુ કરવામાં આવી હતી.

 જ્યારે છેલ્લા એક સપ્તાહથી બીજા જીલ્લાઓમાં પણ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. પરંતુ એસટી તંત્રના અણઘડ વહિવટ અને એસટી બસમાં ૬૦ ટકા જ મુસાફરો બેસાડવાના કારણે દરેક ડેપો ઉપર મુસાફરોને ડ્રાઈવર કંડક્ટરો સાથે માથાકૂટ થાય છે. એસટી વિભાગના  ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય આયોજન વગર આડેધડ રૃટ બનાવ્યા હોવાનું મુસાફરો જણાવી રહ્યાં છે. જેના કારણે ખરેખર જરૃરીયાતવાળા મુસાફરોને બસ સુવિધા મળતી નથી. જ્યારે કેટલાંક એસટી રૃટો ખાલી દોડી રહ્યા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.

આ અંગે કઠલાલ, કપડવંજના મુસાફરોના જણાવ્યા અનુસાર સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ સુધીમાં નડિયાદ જવા માટે બે જ બસો મુકવામાં આવે છે. જેથી કપડવંજ અને કઠલાલના મુસાફરો  રઝળી પડે છે. નિયમોનુસાર ૩૨ મુસાફરો બેસાડતા તેઓના સ્ટેન્ડ ઉપર જ કલાકો સુધી બેસી રહેવું પડે છે. તેવી જ રીતે નડિયાદથી કડપવંજ તરફ જવા માટે બપોરે ૨-૩૦ થી ૫-૦૦ વાગ્યા સુધીમાં માત્ર બે ત્રણ બસો હોવાનું મુસાફરો જણાવે છે. આ ઉપરાંત, મુસાફરોને પોતાના ઘરે જવા માટે મુશ્કેલી વેઠવી પડે છે. 

એસટી નિગમ દ્વારા કેટલીક ખાલી બસોમાં રસ્તા ઉપરના સ્ટેશનના મુસાફરો કઠલાલ ચોકડી, વડથલ, વીણાના મુસાફરોને લેવામાં આવતા ન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. તેથી મુસાફરોમાં હાલાકી વધી છે. નડિયાદ એસટી ડેપો ઉપર કોઈ જ જવાબદાર અધિકારીઓ દ્વારા મુસાફરોની વાત સાંભળવામાં ન આવતી હોવાનું પણ જણાવ્યું હતું.અમદાવાદથી પરત આવતા કપડવંજ, કઠલાલના મુસાફરોને સોનીની ચાલી અને ઓઢવથી બસમાં બેસાડવામાં આવતા નથી. તો નડિયાદ વિભાગની બસોને જે અમદાવાદ રાણીપ જાય છે તેના બદલે સોનીની ચાલી સુધી દોડાવવામાં આવે તો મુસાફરોને સુવિધા મળે અને એસટી તંત્રને પણ સમય અને ખર્ચનો બચાવ થાય તેમ હોવાનું મુસાફરો જણાવે છે. તો આ અંગે એસટીના અધિકારીઓ દ્વારા યોગ્ય વિચારણા કરી નિર્ણય લેવામાં આવે તેવી માંગ મુસાફરો કરી રહ્યાં છે.