મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

- ગોહિલવાડમાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રોના સાતેય કોઠે ટાઢક..
- ગારિયાધારમાં ધોધમાર સાડા ચાર ઈંચ પાણી વરસ્યું, ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ, શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ ; મહુવા-સાવરકુંડલા રોડ બંધ કરવો પડયો
મહુવામાં રાત્રે એક ઈંચથી વધુ વરસાદ બાદ આજે વહેેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે માત્ર ચાર કલાકમાં જ સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતાં તમામ મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદની સ્થિતિને જોતા મહુવામાં મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નેશનલ હાઈવે-૩૫૧ પર ડાયવર્ઝનમાં ધોવાણ થતાં બપોરે મહુવા-સાવરકુંડલા હાઈવે બંધ કરી દેવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા માલણ નદી બે કાંઠે વહી હતી. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. ગરાહવો નદીમાં પૂર આવતા માળિયા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા હતા.
ગારિયાધારમાં સવારે ધીમીધાર બાદ મેઘરાજા ધોધમાર વરસી પડતાં બપોર સુધીમાં સાડા ચાર ઈંચ પાણી ખાબકી જતાં રસ્તા-ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. તાલુકાના પરવડી ગામના પાદરમાં એક કાર પાણીમાં તણાઈ હતી. પાલિતાણા રોડ પર વાવાઝોડા સાથેના વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ બંધ થવાથી ટ્રાફિકજામ થયો હતો. જેસર પંથકમાં રાત્રે ઝરમર વરસાદ બાદ મધરાત્રે વીજળીના ચમકારા અને ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ સવારે આભમાંથી કાચા સોનારૂપી અઢી ઈંચ પાણી પડયું હતું. જેસરના વડવાળાનગર વિસ્તારમાં દડુભાઈ ગીલાભાઈ ભમ્મરનું એક કાચું મકાન જમીનદોસ્ત થયું હતું. જેસરથી રાણીગામ વચ્ચે કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો હતો.
તળાજા પંથકમાં પણ મધા નક્ષત્રમાં મેઘરાજાએ સવા ઈંચ મહેર વરસાવી હતી. વલ્લભીપુરમાં સવારે ઝાપટું, ઉમરાળામાં પા ઈંચ, ભાવનગરમાં ધીમીધારે અર્ધો ઈંચ, ઘોઘામાં ધોધમાર પોણા બે ઈંચ, સિહોરમાં શ્રાવણી સરવડાંરૂપે પોણો ઈંચ અને પાલિતાણામાં મુશળધાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં ગઢડામાં ચાર મિ.મી. અને બરવાળા-રાણપુરમાં પાંચ-પાંચ મિ.મી. વરસાદ થયો હતો.
પાણીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું
પાલિતાણા તાલુકાના વડિયા ગામે નાના ખારો વિસ્તારમાં ચાર વ્યક્તિ પાણીમાં ફસાયા હોવાની તલાટી મંત્રીએ જાણ કરતા મામલતદાર, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકાની ટીમ અને તરવૈયાઓએ દોડી જઈ ચારેય વ્યક્તિનું રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યા હતા. તેમજ ગુંદરણા ગામે એક યુવાન ૧૫ ફૂટ પાણીમાં ફસાતા પોલીસ, સ્થાનિકોએ જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું.









