Jamnagar : જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીડિંગ કેનાલ કે જેમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને એક જેસીબી મશીન અને માણસોની મદદથી હાલ પંપ હાઉસથી લઈને દરેડ સુધીની કેનાલનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને સૌ પ્રથમ આ કેનાલની સફાઈ પૂર્ણ કરાશે, જેથી વરસાદી પાણી લાખોટા (રણમલ લેક) તળાવ સુધી પહોંચી શકે.
ત્યારબાદ દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49ની મુખ્ય કેનાલ કે જેનું સફાઈ કાર્ય આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે, સાથો સાથ ખોડીયાર કોલોની વિસ્તારની કેનાલમાં પણ જેસીબી મશીન વગેરે લગાડીને તેમજ સફાઈ કામદારોની મદદથી કેનાલની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને નવનાલા-તાડીયા હનુમાન વિસ્તારથી લઈને વિભાપર ગામ સુધી ફેલાયેલી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2024 દરમિયાન જૂન માસમાં ગુલાબનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. તે સમયે પાણીના નિકાલના માર્ગોમાં અવરોધ હોવાના કારણે હાલાકી ઊભી થઈ હતી. આ અનુભવને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ એપ્રિલ માસની શરૂઆતથી મોહનનગર-નારાયણનગર વિસ્તારમાં આવેલા નવનાલા નજીકથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અહીંથી વિભાપર ગામ સુધી અંદાજે બે કિલોમીટર વિસ્તારમાં સફાઈ અને અવરોધ દૂર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રૂપિયા 50 લાખના ખર્ચે શહેરના કુલ 50 સ્થળોએ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રંગમતી નદીની કેનાલ સહિત વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવશે.
કાર્યયોજના મુજબ દરેડ ખોડીયાર મંદિરથી પવનચક્કી સુધી, લાલપુર રોડથી પટેલપાર્ક, નંદનવન પાર્કથી મહાવીર પાર્ક, દી. પ્લોટ વિસ્તારથી રામનગર ઢાળિયા, ગોકુલનગરથી સાંઢીવાપુલ વિસ્તાર, મુંબઈ દવાબજાર, ચેમ્બર કોલોની, રવિ બજાર, ઈન્દિરા સોસાયટી, એરફોર્સ ગેટથી સેનાનગર-વાયુનગર, નાગનાથ ગેટથી સ્મશાન, ધૂવાવ નાકાથી આશાપુરા મંદિર તેમજ બચુનગરથી રવિવારી બજાર સુધીના વિસ્તારોમાં સફાઈ અને નિકાલ માર્ગો ખુલ્લા કરાશે.
તે સિવાય વોર્ડ નંબર 12માં સનસિટીથી રંગમતી સોસાયટી, સિલ્વર પાર્કથી પાંચીની ખડકી, ખોડીયાર કોલોની રોડ, સોનલનગરથી કેવડી નદી અને બેડેશ્વર તરફના માર્ગો પણ અવરોધમુક્ત કરવામાં આવશે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એકાદ માસ બાદ આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.


