સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026 : ટોપ ફાઇવ શહેરમાં સુરતનો સમાવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રાજકોટ-અમદાવાદ ટોપ-૧૦માં, દિલ્હી-મુંબઈ ટ્વેન્ટીમાં પણ નહીં
- દસ લાખ પ્લસ વસ્તી ધરાવતા શહેરોમાં લખનઉ પ્રથમ સ્થાને, ઇન્દોર દ્વિતીય, જબલપુર ત્રીજા સ્થાને
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને ૨૦૨૬ના 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ'માં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમ મળ્યો છે. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરને બીજો, જબલપુરને ત્રીજો અને ભોપાલને અને આગ્રાને સંયુક્ત રીતે ચોથો અને સુરતને પાંચમો ક્રમ મળ્યો છે. ગુજરાતના ચાર શહેરોને ટોપ ફિફ્ટીનમાં સ્થાન મળ્યું છે.
રાજકોટ ૧૮૭ સ્કોર સાથે સાતમા ક્રમે, અમદાવાદ ૧૮૬ સ્કોર સાથે આઠમા ક્રમે અને વડોદરા ૧૭૯ના ક્રમ સાથે ૧૫મા ક્રમે રહ્યું છે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ઉપરોક્ત ક્રમ અપાય છે. દિલ્હીનો ક્રમ ૩૦મો અને મુંબઈનો ક્રમ ૩૭મો હતો.
વેસ્ટ મેનેજમેન્ટ, રસ્તા પરની ધૂળ પર નિયંત્રણ, કન્સ્ટ્ર્ક્શન સાઇટ્સ પર ઉડતી ધૂળનું નિયંત્રણ, વાહનો અને ઔદ્યોગિક ઉત્સર્જનમાં ઘટાડો વગેરેના આધારે શહેરોનું આકલન કરાયું હતું.
શહેરોની વસ્તીના આધારે જુદી જુદી શ્રેણી બનાવવામાં આવી હતી અને વાયુપ્રદૂષણ ઘટાડવા કરાયેલા પ્રયત્નોના આધારે શહેરોને રેન્કિંગ અપાયું છે. લખનઉએ કચરા પ્રાપ્તિ વાહનોના કાફલામાં ઇલેક્ટ્રિક વેહિકલ્સનો સમાવેશ કર્યો હતો, રસ્તા પરની ધૂળ પર નિયંત્રણ મેળવવા મેકેનાઇઝ્ડ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ, અને વર્ષો જૂના કચરાના વેસ્ટ ડમ્પિંગ સાઇટની વૈજ્ઞાાનિક વ્યવસ્થા કરવાના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર પીએમ૧૦ સ્ટાન્ડર્ડ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરનું સ્તર હજુ લખનઉએ હાસલ કર્યું નથી. ૧૩૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર જેટલું પીએમ ૧૦ સ્ટાન્ડર્ડ લખનઉએ હાસલ કર્યું છે. લખનઉનું આ સ્તર ૨૦૧૭-૧૮માં ૨૫૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું જેમાં ઘટાડો કરી શકાયો છે.
આજ શ્રેણીમાં ઇન્દોરે ગયા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને આ વખતે બીજો ક્રમ મેળવ્યો છે. જબલપુરને ત્રીજું સ્થાન મળ્યું છે. જબલપુરમાં કચરાસંગ્રહ અને નિકાલ ૧૦૦ ટકા કરાયો છે અને વેસ્ટ-ટુ-એનર્જી (કચરામાંથી ઉર્જા) પ્લાન્ટ ઊભો કરાયો છે. મિકેનાઇઝ્ડ રોડ સ્વીપિંગ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન વગેરે જબલપુરની સિદ્ધિઓ છે.
૩-૧૦લાખ લોકોની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં રાઉર કેલાએ પ્રથમ સ્થાન, ફિરોઝાબાદ અને ગંતૂરને સંયુક્ત રીતે બીજો ક્રમ અને અમરાવતી ત્રીજા ક્રમે રહ્યું છે. ત્રણ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં કલિંગનગર પ્રથમ, અંગુલ બીજા અને તાલચેરે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
શહેરોને રેન્કિંગ આપવામાં પ્રદૂષણનું વાસ્ત્વિક સ્તર અને તેને ઘટાડવાના પ્રયત્નો એમ બન્નેને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
સોમવારે દિલ્હીમાં રેન્કિંગ જાહેર કરાયા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના ચેરમેન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવે તમામ એવોર્ડ વિજેતા શહેરોને અને નગરોને એવોર્ડસ આપ્યા હતા.
કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૧૯માં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (એનસીએપી) શરૂ કર્યો હતો.
એર ક્વોલિટીના વાર્ષિક સર્વેમાં ૧૩૧ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં દસ લાખથી વધુ શહેરોની શ્રેણીમાં ૪૦, ૩-૧૦ લાખ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ૪૦ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા.
મિલિયન-પ્લસ શહેરોની શ્રેણીમાં ચેન્નઈ, જમશેદપુર, કોટા, કોલકોત્તા અને મદુરાઈએ નીચેથી પાંચ ક્રમ મેળવ્યા હતા.
દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોના નામ અને સ્કોર આ પ્રમાણે છે. (૧) લખનઉ, ૧૯૮, ૨) ઇન્દોર ૧૯૭, (૩) જબલપુર ૧૯૫, (૪) ભોપાલ ૧૯૨, (૪) આગ્રા ૧૯૨, (૫) સુરત ૧૯૧.
ગયા વર્ષે આ જ શ્રેણીમાં ઇન્દોરે પ્રથમ, જબલપુરે બીજો અને સુરત અને આગ્રા બન્નેએ સંયુક્ત રીતે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.




