Get The App

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય

સફાઈ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા એન.જી.ઓ.ની મદદ પણ લો

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય 1 - image

     

  અમદાવાદ,બુધવાર,20 મે,2026

કેન્દ્ર સરકારની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ અમદાવાદમાં સ્વચ્છતા અંગે અલગ અલગ પેરામીટર ઉપર નિરીક્ષણ કરશે. આ અગાઉ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સોલિડ વેસ્ટ વિભાગ, ઈજનેર તથા એસ.ટી.પી.સહિતના તમામ સંબંધિત વિભાગને ટકોર કરતા કહયુ, શહેરમા સફાઈ એવી કરો કે આંખે ઉડીને વળગે.તમે રસ્તા ઉપરથી જતા હોય અને કાગળનો ટુકડો દેખાય તો ઉપાડી ખિસ્સામાં મુકી દો. આગળ ડસ્ટબિનમાં નાંખો. શહેરને વધુ સ્વચ્છ શહેર બનાવવા  સફાઈ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા એન.જી.ઓ.ની મદદ લેવા પણ કહયુ હતુ.

સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમા લઈ મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વિઝીબલ કલીનનેસ ઉપર ખાસ મહત્વ આપતા કહયુ, સ્વચ્છતા સંબંધી જે કામગીરી કરવામા આવે તે લોકો સુધી પહોંચાડવા સોશિયલ મિડીયાનો ઉપયોગ કરો.જુન મહિનામાં સાબરમતી નદીની સફાઈ કામગીરી હાથ ધરવામા આવનાર છે. સાબરમતી નદીની સફાઈમા મોટી સંખ્યામાં લોકો જોડાય એવા પ્રયાસ કરવા જોઈએ.બે દિવસ પહેલા પૂર્વ ઝોનના એડીશનલ સિટી ઈજનેર સહિત ચાર ઈજનેરને સસ્પેન્ડ કરવાની બાબતને લઈ કમિશનરે કહયુ, વિકાસના કામમા ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામા નહીં આવે.તેમણે તમામ વિભાગના અધિકારીઓને આડકતરી ચેતવણી આપતા કહયુ, ટેન્ડરોમાં કોપી પેસ્ટ કરવાનુ ટાળજો.ભ્રષ્ટાચાર કરશો તો ઘેર જશો.

૧૫ હજારથી વધુ પાણીપુરીની લારી માત્ર ૪૨૦૦ લારી પાસે કયૂઆર કોડ

બુધવારે મળતી વિકલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમા કેટલી પાણીપુરીની લારીઓ ઉપર કયૂઆર કોડ આપવામા આવ્યા તે અંગે માહિતી માંગીહતી.ફૂડ વિભાગના આરોગ્ય અધિકારીએ ૪૨૦૦ પાણીપુરીની લારીઆને કયૂઆર કોડ અપાયા હોવાનો જવાબ આપતા કમિશનરે કહયુ, ધીમી ગતિથી કામ કરશો તો ખાદ્યચીજો વેચતી તમામ લારીઓ સુધી કયારે પહોંચી શકાશે.