Gujarat

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી

By GS TEAM
21 Oct 20252 mins read
પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા  સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી

વડોદરા, તા.21 પાદરા એપીએમસીની ચૂંટણીના પરિણામના પડઘા સાધી ગામે પડયા હતાં. દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના ઝઘડાને નિમિત્ત બનાવી બે જૂથ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સાધી ગામમાં રહેતા યોગેશ ઇશ્વર પરમારે ઉપેન્દ્ર ઉર્ફે નાનભાઇ રમેશભાઇ પટેલ, અભિષેક મયુર પટેલ, અક્ષય ઘનશ્યામ પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ રાત્રે હું તેમજ મારા પિતરાઇ ભાઇઓ અને મિત્રો ગામના તળાવની પાસે ફટાકડા ફોડતા હતાં. આ વખતે તળાવ પાસે બાકડા પર બેસેલ ગામના સરપંચ અંજનાબેનના પતિ ઉપેન્દ્ર ઉર્ફે નાનભાઇ નજીક આવ્યા હતા તેઓ નશો કરેલી હાલતમાં જણાતા હતાં. તેમણે આવીને અમને જણાવેલ કે તમારામાં તાકાત હોય તો મારા બુલેટ પર બોંબ ફોડી બતાવો તેમ કહી ઝપાઝપી કરી હતી. ઝઘડો થતાં તેની સાથેના કેટલાંક લોકો ઉપેન્દ્રને બુલેટ પર લઇ ગયા હતા અને થોડા સમય બાદ અન્ય લોકોએ આવીને હવે બહુ થઇ ગયું આ લોકોને પતાવી દો તેવી ધમકી આપી હતી.

સામા પક્ષે અભિષેક મયુર પટેલે ગામમાં રહેતા નયનેશ ઉર્ફે નારણ પ્રફુલભાઇ પટેલ, સંજય અમરસંગ, કરણ સંજયભાઇ અને હેમંત અજીતભાઇ જાદવ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું આણંદની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરું છું. ગઇકાલે રાત્રે ફટાકડા લેવા હું પાદરા જતો હતો ત્યારે મિત્ર સપનનો ફોન આવેલ કે ઉપેન્દ્ર સાથે ઝઘડો થયો છે તું પરત આવી જા જેથી હું પરત આવ્યો ત્યારે રણછોડબાગ પાસે ટોળું ભેગું થયું હતું. આ વખતે ઉપરોક્ત આરોપીઓ ધમકીઓ આપી ઝપાઝપી કરતા હતાં. તા.૧૮ના રોજ પાદરા એપીએમસીની ચૂંટણીમાં મારા પિતા વિજેતા થયા હતા અને સામા પક્ષે ભાસ્કર પ્રફુલભાઇ પટેલના પત્ની હિનાબેન હારી ગયા હતા તે વખતે અમે ગામમાં વિજેતા સરઘસ કાઢ્યું તેની અદાવત રાખી વાતાવરણ બગાડયું હતું.