Gujarat

હળવદના ટીકરમાં નાણાંની લેતીદેતી મામલે 2 જૂથો વચ્ચે અથડામણ

By GS Team
1 Jun 20202 mins read
This article was originally published on 1 Jun 2020
હળવદના ટીકરમાં નાણાંની લેતીદેતી મામલે 2 જૂથો વચ્ચે અથડામણ

હળવદ, તા.1 જૂન 2020, સોમવાર

હળવદ તાલુકાના ટીકર ગામે આજરોજ રૃપિયાની લેતી-દેતી બાબતે અને જુના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને મોરબીથી કેટલાક શખ્સોને બોલાવવામાં આવ્યા હોવાથી તેઓ બાઈક લઈને મોરબીથી મારામારી કરવા માટે ટીકર ગામે આવ્યા હતા.

 ત્યારે ગામના લોકોએ મોરબીથી આવેલા શખ્સો પૈકીના બે શખ્સના બાઈકને સળગાવી નાખ્યા હતા અને આ બનાવની અંદર બંને જુથના કુલ મળીને આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોવાથી હાલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી હોવાની માહિતી જાણવા મળે છે.

બનાવની પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામેરહેતા શાંતિભાઈ શંકરભાઈના દિકરા અને કાચરોલા વિમલભાઈના દીકરાને રૃપિયાની લેતી-દેતી અને જુના મનદુખ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિમલભાઈના દિકરાએ તેના મોરબી રહેતા મિત્રોને બોલાવ્યા હતા જેથી કરીને નયનભાઈ અને અન્ય પાંચ શખ્સો બાઈક ઉપર ટીકર ગામે આવ્યા હતા અને ત્યારબાદ ગામના પાદરમાં બેઠેલ શાંતિભાઈ શંકરભાઈના દીકરાને આડેધડ મારવા માંડયા હતા અને છરીના ઘા માર્યા હતા જેથી કરીને ગ્રામજનો તેને બચાવવા માટે વચ્ચે પડયા હતા ત્યારબાદ મોરબીથી આવેલા શખ્સોને પણ માર મારવામાં આવ્યો હતો અને મોરબીથી આવેલા શખ્સોના બે બાઈકને સળગાવી નાંખવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

 આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ટીકર ગામ ખાતે બંદોબસ્ત ગોઠવી દીધા છે અને હાલમાં ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.