ટૂર પેકેજના નામે શહેરના ફાયર સેફટી કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી

- બોરતળાવ પોલીસ મથકમાં વડોદરાના 2 શખ્સો સામે ગુનો નોંધાયો
- ભારતમાં કે એશિયાના કોઈ પણ દેશમાં 7 રાત્રિ અને 8 દિવસની લોભામણી સ્કિમ આપી હતી
શહેરના ભાયાણીની વાડી ખાતે રહેતા અને ફાયર સેફટીના કન્સલ્ટન્ટનો વ્યવસાય કરતા ચિરાગભાઈ મનસુખભાઈ ગુજરાતીના મોબાઈલમાં દોઢ વર્ષ પહેલા ધ પેરેડાઈઝ કલબ વડોદરા નામની કંપની દ્વારા અલગ-અલગ સેમિનાર ભાવનગર ઇસ્કોન કલબ ખાતે યોજાવાના હોવાની માહિતી આપવામાં આવી હતી. આ માહિતીના આધારે ચિરાગભાઈએ તા.૨૭ જુલાઈ ૨૦૨૪ ના રોજ સેમિનારમાં ગયા ત્યારે કંપનીના માલિક પ્રકાશસિંગ સતારસિંગ રાજપૂત (રહે.વડોદરા) તથા વૈભવ સંતોષ દુબે (રહે.વડોદરા) સાથે પરિચય થયો હતો અને કંપનીના પ્રેમ તિવારીએ કંપનીના મેમ્બરશિપ અંગેના પ્લાન સમજાવ્યા હતા અને ભારત કે એશિયાના દેશોમા એક વર્ષમા કોઇ પણ સમયે સાત રાત્રી અને આઠ દિવસ અને પાંચ વર્ષમા કુલ ૩૫ રાત્રી અને ૪૦ દિવસના ટુર પેકેઝ માટે હોટલમા રહેવા માટે સુંદર અને સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત પાંચ વર્ષમાં કોઈ જગ્યાએ ફરવા ન જાઓ તો પ્લાન ૧૦ વર્ષ સુધી રિન્યૂ થઈ જશે તેમ જણાવતા ચિરાગભાઈએ તે જ દિવસે રૂ.૯૯,૯૯૯ ચુકવી પ્લાન ખરીદી લીધો હતો. જે બાદ આજથી પાંચ માસ પૂર્વે તેમને તેમના પરિવાર સાથે ફરવા જવાનું હોવાથ કંપનીના મેઈલમાં જાણ કરી હતી પરંતુ કોઈ જવાબ નહી મળતા વડોદરા ખાતે તપાસ કરતા તેમની ઓફિસ પણ બંધ હાલત મળી હતી અને આ લોકોએ ટૂર પેકેજના નામે અન્ય ૬ લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હતી. આ અંગે ચિરાગભાઈએ પ્રકાશસિંગ સતારસિંગ રાજપૂત અને વૈભવ સંતોષ દુબે (બન્ને રહે.વડોદરા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








