Gujarat

કોરોના સંક્રમણ સામે શહેરીજનો બિંદાસ્ત, જમાલપુર,માણેકચોક,ભદ્ર સહીતના વિસ્તારમાં લોકોની ભીડ

By GS Team
2 Jan 20223 mins read
This article was originally published on 2 Jan 2022
કોરોના સંક્રમણ સામે શહેરીજનો બિંદાસ્ત, જમાલપુર,માણેકચોક,ભદ્ર સહીતના વિસ્તારમાં લોકોની ભીડ

અમદાવાદ,રવિવાર,2 જાન્યુ.2022

અમદાવાદ શહેરમાં નવા વર્ષના પહેલા જ દિવસે કોરોનાના ૫૫૯ કેસ નોંધાયા હતા.આમ છતાં કોરોના સંક્રમણથી કોઈ પ્રકારનો લોકોમાં ભય ના હોય એવા દ્રશ્યો શહેરના જમાલપુર શાકમાર્કેટ ઉપરાંત માણેકચોકના રાત્રિ ખાણી પીણી બજાર કે પછી ત્રણ દરવાજા વિસ્તારમાં ભદ્ર પરિસરમાં જોવા મળી રહ્યા છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ પૂર્વે મોટા ઉપાડે કરવામાં આવેલી જાહેરાત છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કે શહેર પોલીસ તંત્ર તરફથી આ તમામ વિસ્તારોમાં લોકોના જોવા મળતા ટોળાને નિયંત્રિત કરવા અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આ કારણથી શહેરમાં આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધશે એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં ડીસેમ્બરના અંતિમ સપ્તાહમાં કોરોનાના ૧૨૦૦થી પણ વધુ કેસ નોંધાઈ ગયા હતા.વર્ષ-૨૦૨૨ના પહેલા જ દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થતા એક જ દિવસમાં કોરોનાના ૫૫૯ કેસ નોંધાયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ હેલ્થ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓની એક બેઠક કલેકટર અમદાવાદની અધ્યક્ષતામાં મળી હતી.આ બેઠકમાં અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા અંગે શું કાર્યવાહી કરવી એ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.બેઠકમાં જે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડતા હોય એવા તમામ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે મળીને કામ કરશે એ પ્રકારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત પણ કરવામાં આવી હતી.

આમ છતાં શનિવારે રાત્રિના સમયે શહેરની મધ્યમાં આવેલા માણેકચોકમાં રાત્રિના સમયે ભરાતા ખાણી-પીણી બજારમાં લોકોના ટોળા વિવિધ ચીજો ખાવા ઉમટી પડેલા જોવા મળ્યા હતા.માણેકચોકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પણ કર્મચારી રાત્રિના સમયે લોકો માસ્ક પહેરે છે કે કેમ? લોકોના ઉમટી પડતા ટોળાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે કે કેમ? એ જોવા સ્થળ ઉપર ફરકતા પણ નથી.

આ પ્રકારની પરિસ્થિતિ જમાલપુર વિસ્તારમાં રવિવારે સવારના સમયે ભરાતા ફુલ બજાર અને શાકમાર્કેટમાં જોવા મળી રહી હતી.કોઈ માસ્ક પહેરતા ના હોવાની સ્થિતિ જોવા મળી હતી.માસ્ક ના પહેરનારા લોકોને પુછવામાં આવે કે તેમણે માસ્ક કેમ પહેર્યુ નથી? તો એવા જવાબ આપવામાં આવ્યા હતા કે,માસ્ક પહેરવાથી ગરમી લાગે છે,શ્વાસ લેવામાં તકલીફ પડે છે.માસ્ક ખિસ્સામાં જ છે.લોકોમાં જોવા મળતી આટલી હદે ગંભીર બેદરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને કેમ દેખાતી નથી એ જ મોટી ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.તંત્ર લોકો માટે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે નિયમો બનાવે છે તો પછી લોકો તેનું પાલન કરે છે કે કેમ? એ અંગે તંત્ર દ્વારા કયા કારણથી તપાસ કરવામાં આવતી નથી?

ભદ્ર પરિસર અને ત્રણ દરવાજાથી પાનકોરનાકા વિસ્તારમાં પણ રવિવારે સવારથી જ લોકોના ટોળા ખરીદી કરવા માટે ઉમટી પડેલા જોવા મળ્યા હતા.ભદ્ર મંદિરની નજીકમાં જ કારંજ પોલીસ સ્ટેશન આવેલું છે.આમ છતાં એક પણ પોલીસ કર્મી બહાર આવી માસ્ક પહેર્યા વગર ફરતા લોકો કે વેપારીઓને પકડી દંડ કરતા નહોતા.આ પ્રકારે જ લોકો બિંદાસ્ત બનીને ફરતા રહેશે તો કોરોનાની ત્રીજી લહેર આવી જશે એ બાબત નિશ્ચિત છે.