Gujarat

નાગરિકો અને ખેડૂતોએ ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું, જાણો નિષ્ણાતો શું કહે છે

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
ચોમાસામાં આકાશી વીજળીથી બચવા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સલાહ અપાઈ છે. વીજળીની પૂર્વચેતવણી માટે 'દામિની એપ' ડાઉનલોડ કરો. ઘરમાં ટીવી-ફ્રિજ જેવા ઉપકરણોના પ્લગ કાઢી નાખો અને બારી-દરવાજાથી દૂર રહો. બહાર હોવ તો ઝાડ નીચે ઊભા ન રહો, ખુલ્લા મેદાનમાં 100 ફૂટનું અંતર રાખો. પશુઓને ખીલે બાંધવા નહીં. 108, 1070, 1962 હેલ્પલાઇન નંબર અને 'સચેત એપ' ઉપયોગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગરિકો અને ખેડૂતોએ ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું, જાણો નિષ્ણાતો શું કહે છે
AI તસવીર

Gujarat Rain: ચોમાસામાં ભારે વરસાદ વખતે આકાશી વીજળીના જોખમથી બચવા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો દ્વારા વિવિધ સલાહ-સૂચનો અપાય છે. વીજળીની પૂર્વચેતવણી મેળવવા માટે ભારત સરકારની સત્તાવાર 'દામિની એપ' (Damini App) પ્લેસ્ટોર પરથી જરૂર ડાઉનલોડ કરો. આ સિવાય જરૂરિયાત પ્રમાણે હેલ્પલાઇન નંબર 108(એમ્બ્યુલન્સ) અને 1070/1077(ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ) પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત અતિ ભારે વરસાદ અને સતત વીજળી થતી હોય ત્યારે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક પાયાની જાણકારી મહત્ત્વની સાબિત થાય છે. જેમ કે…

ઘરની અંદર હોઈએ ત્યારે આ સાવધાની રાખવી જોઈએ

  • ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર કે એસી જેવા તમામ વીજ ઉપકરણોના પ્લગ બોર્ડમાંથી તરત જ નિકાળી દો.
  • તોફાન દરમિયાન નહાવાનું, વાસણ ધોવાનું કે નળના પાણીનો સંપર્ક કરવાનું ટાળો (વીજળી ધાતુની પાઇપોમાં આવી શકે છે).
  • વાયરવાળા લેન્ડલાઇન ફોનનો ઉપયોગ બિલકુલ ન કરો. મોબાઇલ વાપરી શકાય.
  • ઘરની બારી, દરવાજા અને અગાશીથી દૂર રહીને ઘરની મધ્યમાં સુરક્ષિત રહો.

ઘરની બહાર કે ખુલ્લામાં હોઈએ ત્યારે આ બાબતનું ધ્યાન રાખો

  • વૃક્ષો નીચે ક્યારેય ઊભા ન રહો! ઊંચા વૃક્ષો વીજળીને ઝડપથી આકર્ષે છે.
  • વીજળી ચમક્યા પછી જો 30 સેકન્ડમાં ગર્જના સંભળાય, તો તરત જ પાકા મકાન કે બંધ વાહનમાં આશ્રય લો.
  • બાઇક, ટ્રેક્ટર, લોખંડની વાડ કે વીજળીના થાંભલાથી દૂર રહો. લોખંડની ડાંડીવાળી છત્રી ન વાપરો.
  • જો નદી, તળાવ કે સ્વિમિંગ પુલમાં હોવ તો તાત્કાલિક પાણીની બહાર નીકળી જાઓ.
  • જો ખુલ્લા મેદાનમાં વધુ લોકો હોવ, તો એકબીજાથી ઓછામાં ઓછું 100 ફૂટનું અંતર જાળવો.

આકાશી વીજળીથી બચવા માટેની સાવધાનીઓ

  • જો માથાના વાળ ઊભા થઈ જાય કે ત્વચામાં ઝણઝણાટી થાય, તો સમજી લો કે વીજળી નજીકમાં પડવાની છે.
  • જમીન પર સીધા સૂવાના બદલે, બંને પગ ભેગા રાખી, એડીઓ અડાડીને પગના પંજા પર ઉભડક બેસી જાઓ અને માથું ઘૂંટણ વચ્ચે લાવી કાન બંધ કરી દો.
  • વીજળી દરમિયાન ખુલ્લા મેદાન, ખેતર, ટેકરી, તળાવ, નદી અથવા પાણી ભરાયેલા સ્થળોથી દૂર રહેવું.
  • વૃક્ષ, વીજળીનો થાંભલો, ટ્રાન્સફોર્મર અથવા ધાતુની વાડ પાસે ઊભા રહેવું નહીં.
  • શક્ય હોય તો પાકા મકાન અથવા બંધ વાહનમાં આશરો લેવો.
  • ઘરમાં હોવ તો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો અને બારીઓ-દરવાજાથી દૂર રહેવું.
  • ખુલ્લામાં ફસાઈ જાઓ તો બંને પગ ભેગા રાખી બેસી જવું, જમીન પર સીધા સૂઈ જવું નહીં.

પશુધનની સુરક્ષા માટે આ પ્રકારના સાવધાની રાખો

  • ભારે વરસાદ કે વાવાઝોડા સમયે પશુઓને ક્યારેય પણ ખીલે બાંધી રાખવા જોઈએ નહીં
  • પશુઓને ખુલ્લા રાખવાથી તેઓ પૂર કે અન્ય મુશ્કેલીના સમયે તરીને અથવા સલામત સ્થળે જઈ પોતાની જાતે જ બચાવ કરી શકે છે
  • ઘેટાં, બકરાં અને મરઘાં જેવાં નાના પશુ-પક્ષીઓને સલામત તેમજ પૂરતી હવા-ઉજાસવાળી જગ્યાએ રાખવા જોઈએ
  • પશુઓને મોટા વૃક્ષો, કાચી દીવાલો, વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર નજીક રાખવા જોઈએ નહીં
  • કોઈપણ પ્રકારની કટોકટી અથવા પશુરોગ અંગે સહાય માટે તાત્કાલિક સંપર્ક કરો: ‘એનિમલ હેલ્પલાઇન-1962’
  • વધુ માહિતી અને તાત્કાલિક સેવાઓ માટે 1962 APP ડાઉનલોડ કરો

સચેત એપ: કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા માટે ડિજિટલ સાથી

આ ઉપરાંત હવામાનમાં આવતા અચાનક પલટા કે કોઈપણ કુદરતી અને માનવસર્જિત આપત્તિ સમયે જાનમાલનું નુકસાન અટકાવવા માટે સમયસર મળતી સચોટ માહિતી અત્યંત મહત્ત્વની સાબિત થાય છે. આ હેતુથી નાગરિકોને રિયલ-ટાઇમ અને અધિકૃત ચેતવણી પૂરી પાડવા માટે 'સચેત (SACHET)' એપ તૈયાર કરવામાં આવી છે, જે આપત્તિના સમયે એક વિશ્વસનીય ડિજિટલ સાથી તરીકે કામ કરે છે. આ એપ દ્વારા ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, આકાશી વીજળી, ભૂસ્ખલન અને જંગલની આગ જેવી વિવિધ કટોકટીની સ્થિતિ અંગે અગાઉથી સૂચનાઓ મળી રહે છે, જેથી લોકો સમયસર જોખમી વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી શકે.

  • Geo-Targeted Alerts: મોબાઇલના લોકેશન આધારિત Geo-Targeted Alerts.
  • સબસ્ક્રાઇબ: કોઈપણ રાજ્ય અથવા જિલ્લાને સબસ્ક્રાઇબ કરી શકાય.
  • હવામાન અપડેટ: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા હવામાનની આગાહી અને દૈનિક અપડેટ.
  • માર્ગદર્શન: શું કરવું અને શું ન કરવું (Dos & Don'ts) અંગે માર્ગદર્શન.
  • હેલ્પલાઇન નંબર: મહત્ત્વના હેલ્પલાઇન નંબરોની માહિતી.
  • ભાષા સુવિધા: ગુજરાતી સહિત 12 ભારતીય ભાષાઓમાં ઉપયોગની સુવિધા.

એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • Google Play Store પરથી SACHET એપ ડાઉનલોડ કરો.
  • એપ ઇન્સ્ટોલ કર્યા બાદ Location અને Notifications(સૂચનાઓ)ની પરવાનગી આપો.
  • પોતાની વર્તમાન જગ્યાની સાથે અન્ય રાજ્ય અથવા જિલ્લાને પણ સબસ્ક્રાઇબ કરો.
  • વધુ માહિતી માટે: NDMA SACHET Portal તથા SACHET Android Appનો ઉપયોગ કરી શકાય છે.