Get The App

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ 1 - image

- સત્તાના દૂરુપયોગની ફરિયાદ થતાં રાજકારણ ગરમાયું

- હોદ્દાનો લાભ લઈ પંચાયતની ફાજલ જમીનમાં મકાન તાણી દીધું હોવાની મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરાઈ

નડિયાદ: મહુધા તાલુકાના ચુણેલ ગામે ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચે પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરી સરકારી જમીનો પર ગેરકાયદે દબાણ કર્યું હોવાની ફરિયાદ ઉઠતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગામના રહીશોએ મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

મહુધા તાલુકાના ચુણેલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલમાં ઈન્ચાર્જ સરપંચ તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ રાવળે ગામની ફાજલ જમીન તેમજ તળાવની જમીન પર ગેરકાયદે દબાણો ઉભા કર્યા હોવાની ફરિયાદ અમરીશકુમાર ઘનશ્યામલાલ શાહ દ્વારા કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સુરેશ રાવળે પંચાયતની ફાજલ જમીન પર આરસીસી મકાન બનાવી દીધું છે અને તે મકાન પંચાયતના મિલકત રજીસ્ટર પર પોતાના નામે ચડાવી દઈ સત્તાનો ખુલ્લેઆમ દૂરુપયોગ કર્યો છે. આ ઉપરાંત રાવળ સમાજના સ્મશાન માટે ગામની ફાજલ જમીન પર ગેરકાયદે રીતે કબજો કરીને દબાણ કરવામાં આવ્યું છે અને તે જગ્યામાં સરકારી યોજનામાંથી હેડપંપ પણ બનાવી દેવામાં આવ્યો છે, તેવો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે. 

હાલમાં આ દબાણવાળી જગ્યા પર સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જે વરસાદી પાણીના નિકાલના વહેળાને સાંકડો કરી રહ્યું હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સ્મશાન માટે જમીન નીમ કરવા માટે કલેક્ટર અને મામલતદાર સમક્ષ કરવામાં આવેલી અરજી અગાઉ રદ કરવામાં આવી હોવા છતાં, તંત્રની આંખમાં ધૂળ નાખીને ગેરબંધારણીય રીતે દબાણ કરવામાં આવ્યું છે. ઈન્ચાર્જ સરપંચ સામે આક્ષેપ છે કે, તેઓ પોતાના હોદ્દાના કારણે દબાણ હટાવવાની કામગીરીમાં અવરોધ પેદા કરી રહ્યાં છે, જેથી તેમની સામે પંચાયત ધારાની જોગવાઈ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરી તાત્કાલિક દબાણો હટાવવા માંગ કરાઈ છે. જો આ બાબતે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ અરજદાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

- તળાવની જમીનમાં સ્મશાન નીમ કરવાની દરખાસ્ત ફગાવી દેવાઈ

મામલતદાર કચેરીના અહેવાલ મુજબ, ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા રાવળ સમાજના સ્મશાન માટે સર્વે નંબર ૬૬૬ વાળી જમીનની માંગણી કરવામાં આવી હતી. જોકે રેકોર્ડની ચકાસણી કરતા આ જમીન સરકારી તળાવના ખરાબા હેઠળની હોવાનું માલૂમ પડયું હતું. વર્ષ ૨૦૦૧ના સરકારી ઠરાવ મુજબ, તળાવ કે જળાશયની જમીનનો અન્ય હેતુ માટે નિકાલ કરવા પર પ્રતિબંધ હોવાથી અને સંબંધિત અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયને કારણે આ સ્મશાન નીમ કરવાની અરજી તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે.