Get The App

લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું 1 - image


Child Marriages On The Rise In Mahisagar: મહિસાગર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નની સીઝન વચ્ચે બાળલગ્નના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. ત્યારે લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ સમયસૂચકતા વાપરી વધુ એક બાળલગ્ન અટકાવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં કુલ ચાર બાળલગ્નો અટકાવવામાં આવતા સામાજિક જાગૃતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.

લુણાવાડામાં અધિકારીઓએ લગ્ન અટકાવ્યા

મળતી માહિતી મુજબ, લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં એક બાળલગ્ન યોજાવાના હોવાની બાતમી વહીવટી તંત્રને મળી હતી. બાતમીના આધારે અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દસ્તાવેજોની ચકાસણી કરતા સામે આવ્યું હતું કે, અભ્યાસ કરતા છોકરાના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. વરરાજાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી અધિકારીઓએ પરિવારને સમજાવ્યા હતા અને લગ્ન અટકાવ્યા હતા.

આ પણ વાંચો: સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુધીનું લક્ષ્ય

એક અઠવાડિયામાં 4 કિસ્સા સામે આવ્યા

મહિસાગર જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં બાલાસિનોરમાં 2 અને લુણાવાડામાં 2 બાળલગ્ન અટકાવ્યા હતા. સરકારી કર્મચારીઓ દ્વારા શાળાઓ અને પંચાયતોમાં સતત જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોવા છતાં, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ બાળલગ્નનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

કાયદેસરની ઉંમર અંગે અધિકારીની અપીલ

જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ લોકોને અપીલ કરી છે કે કાયદા મુજબ લગ્ન માટે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી અનિવાર્ય છે. ઉંમર ઓછી હોય તો તે ગુનો બને છે. જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સીઝન પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. કોઈ પણ સ્થળે બાળલગ્ન થતા હોવાની જાણ થાય તો તરત જ જાણ કરવી. બાળકોના ભવિષ્ય અને અભ્યાસ સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.