Get The App

વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા

ફેસબુક પર મિત્રતા કરી વેપારીને પ્રેમજાળમાં ફાસાવ્યો

મહિલાએ નરોડા બોલાવી પ્રાંતિજ લઇ ગયા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
વેપારીને હનીટ્રેપમાં ફસાવી,નકલી પોલીસે ૩૦ લાખની ખંડણી માંગી ૩ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ, મંગળવાર

ઘાટલોડિયામાં રહેતા વેપારી સાથે મહિલાએ ફેસબુક ઉપર મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવ્યા હતા અને નરોડા ખાતે મળવા બોલાવ્યા હતા. ત્યાંથી પ્રાંતિજ લઇેને તેના સાગરિતા તથા નકલી પોલીસે વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૃા.૩૦ લાખની ખંડણી માંગી હતી અને ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી આજીવન કેદની સજા થશે તેમ કહીને ડરાવીને રૃા. ૩ લાખ પડાવ્યા હતા જો કે વધુ પાંચ લાખની માંગણી કરતા ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હતી દરમિયાન રામોલ પોલીસે હનીટ્રેમમાં ફસાવી લોકો પાસે લાખો પડાવતી ટોળકીને ઝડપી હતી.

મહિલા ડ્રગ્સ સપ્લાયર છેે તેની મદદ કરો છો આજીવન કેદની સજા થશે કહી ગોધરા પોલીસ સ્ટેશન લઇ જવાનું કહી વેપારીને ધમકાવીને તોડ કર્યો

ઘાટલોડિયામાં રહેતા અને નારણપુરામાં કિરાણા સ્ટોર ધરાવી ધંધો  કરતા આધેડે નરોડા  પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ મહિના પહેલા ફેસબુકમાં આરોપી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા વેપારીએ સ્વીકારતા બન્ને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાતચીત શરુ થઈ હતી. ત્યારબાદ તા. ૦૬-૦૧-૨૦૨૬ના રોજ મહિલાએ વેપારીને નરોડા નાના ચિલોડા પાસે આવેલા કાકા ભાજીપાઉં રેસ્ટોરન્ટ પર મળવા બોલાવ્યા હતા. વેપારી કાર લઈને ત્યાં પહોંચ્યા હતા. મુલાકાત બાદ ડભોડા ચાર રસ્તા પાસે માતાના મંદિરે દર્શન કરવા કાર ઉભી રખાવી હતી. 

જ્યાં નંબર પ્લેટ વગરની કારમાં ચાર શખ્સો આવ્યા હતા. જેમાં એક શખ્સે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. તેણે વેપારીને ધમકાવતા કહ્યું કે તમારી સાથે જે છોકરી છે તે ડ્રગ્સ સપ્લાય કરે છે અને તમે તેને મદદ કરો છો તમને આજીવન જેલ થશે કહીને વેપારીનું અપહરણ કરી પ્રાંતિજ લઈ ગયા હતા. રસ્તામાં કેસ પતાવવા માટે રૃા. ૩૦ લાખની માંગણી કરતા વેપારીએ રૃા. ૩ લાખ રોકડા આપ્યા હતા.