Get The App

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી! 1 - image


Chhota Udepur Auditorium: છોટા ઉદેપુર શહેરમાં વિકાસની મોટી વાતો વચ્ચે સરકારી નાણાંનો કેવો દુરૂપયોગ થઈ રહ્યો છે તેનું જીવંત ઉદાહરણ છોટા ઉદેપુર નગરપાલિકાનું નવનિર્મિત ઓડિટોરિયમ પૂરું પાડી રહ્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ ઓડિટોરિયમ છેલ્લા છ મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે, પરંતુ સત્તાધીશોની ઉદાસીનતાને કારણે તે હજુ સુધી જનતા માટે ખુલ્લું મુકાયું નથી.

કોન્ટ્રાક્ટરને નોટિસ છતાં વિલંબ

છોટા ઉદેપુર કલેક્ટર કચેરી તરફ જવાના મુખ્ય માર્ગ પર શિવ કન્ટ્રક્શન દ્વારા આ ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. કામગીરીમાં વિલંબ થવાને કારણે નગરપાલિકાએ અગાઉ કોન્ટ્રાક્ટરને બે વાર નોટિસ પણ ફટકારી હતી. જોકે, હવે પાલિકાના ઈજનેરોનું કહેવું છે કે કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં, ઉદ્ઘાટન ન થવા પાછળનું કારણ પૂછતા સત્તાધીશો મૌન સેવી રહ્યા છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટ! 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતાં નદીઓ કોરીધાકોર

સામાજિક અને સરકારી પ્રસંગો માટે આશીર્વાદરૂપ બની શકે છે

આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ હોલ સરકારી કાર્યક્રમો, સ્થાનિક લોકોના લગ્ન પ્રસંગો અને સામાજિક મેળાવડાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. જો આ હોલ ભાડે આપવામાં આવે તો નગરપાલિકાની આવકમાં પણ વધારો થઈ શકે છે, પરંતુ હાલમાં તે બંધ હોવાથી પ્રજાના 5 કરોડ રૂપિયા માત્ર ધૂળ ખાઈ રહ્યા છે.

વહેલી તકે લોકાર્પણ કરવા માગ

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના હિતમાં કામ કરવાને બદલે રાજકીય કારણોસર ઉદ્ઘાટન ટાળી રહ્યા છે. વિકાસની ગુલબાંગો વચ્ચે લોકો પોતાના પ્રસંગો માટે અન્ય મોંઘી જગ્યાઓ શોધવા મજબૂર બન્યા છે. જનતાની માંગ છે કે કોઈ પણ પ્રકારના વિલંબ વગર આ ઓડિટોરિયમ જનતાના ઉપયોગ માટે વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે.