Get The App

છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા 1 - image

Chhota Udepur Taluka Election: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો ગંભીર આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ આ તમામ વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. જો કે, વિજય બાદ નીકળેલા સરઘસમાં ભાજપ સાંસદ જશુ રાઠવા ખુલ્લેઆમ બંદૂક સાથે જોવા મળતા નવો વિવાદ છેડાયો છે.

પોલીસની હાજરીમાં જ 'આપ'ના સભ્યોનું અપહરણ થયાનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર, શનિવારે (23મી મે) છોટા ઉદેપુર પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ કેટલાક બુકાનીધારી શખસો ઉઠાવી ગયા હોવાનો સળગતો આક્ષેપ ‘આપ’ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ‘આપ’ના કાર્યકરોએ કચેરી બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોમાં એવો ગણગણાટ હતો કે જાણે વિરોધીઓ આમ આદમી પાર્ટીનો શિકાર કરીને નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ


તમામ હોબાળા વચ્ચે ભાજપનો ભગવો લહેરાયો

બીજી તરફ, વિપક્ષના વિરોધ અને અપહરણના આક્ષેપો વચ્ચે પણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ બહુમતી સાથે વિજય મેળવીને છોટાઉદેપુર તાલુકા પંચાયતની સત્તા પર કબજો જમાવ્યો છે અને પ્રમુખ પદ મેળવી ભગવો લહેરાવ્યો છે.

સાંસદ જશુ રાઠવા વિજય સરઘસમાં બંદૂક સાથે નીકળ્યા!

તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયા બાદ શહેરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ભરબજારમાં હાથમાં બંદૂક લહેરાવીને અને ગળામાં કારતૂસોની માળા પહેરીને એન્ટ્રી લેતા લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ વિજય સરઘસમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિત હજારો કાર્યકરોની હાજરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે જવાબદાર પદ પર બેઠેલા સાંસદ દ્વારા આ પ્રકારે હથિયારનું પ્રદર્શન કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.