Get The App

છોટા ઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઈક પર જતાં 2 યુવકના કમકમાટીભર્યા મોત, કાછેલ ગામમાં માતમ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઈક પર જતાં 2 યુવકના કમકમાટીભર્યા મોત, કાછેલ ગામમાં માતમ 1 - image


Chhota Udepur Road Accident: છોટાઉદેપુર જિલ્લાના વનાર જામલા રોડ પર આજે એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. ખાણ-ખનિજ ઉદ્યોગ સાથે જોડાયેલી અને ડોલોમાઈટ પથ્થરથી ખીચોખીચ ભરેલી એક ટ્રકના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને બાઈક સવારોને કચડી નાખ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં બે સગા જેવા યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બાઈક પર સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

કાછેલ ગામના પરિવારે આશાસ્પદ પુત્રો ગુમાવ્યા

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ભોગ બનનાર બંને મૃતક યુવાનો છોટાઉદેપુરના કાછેલ ગામના રહેવાસી હતા, જેમની ઓળખ નિલેશ રાઠવા અને સંજય રાઠવા તરીકે થઈ છે. બંને યુવાનો પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે વનાર જામલા રોડ પાસે સામેથી આવતી ભારે પથ્થરો ભરેલી ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનોના સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ ગયા હતા.

ગ્રામજનોમાં ભારે રોષ, પોલીસની કાર્યવાહી

ઔદ્યોગિક વિસ્તાર અને ખાણોના કારણે આ માર્ગો પર સતત દોડતા ઓવરલોડ અને બેફામ વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. આજે ફરી બે આશાસ્પદ આદિવાસી યુવાનોના મોત થતાં સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર અને બેફામ ડ્રાઇવરો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (Post Mortem) માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.