Chhota Udepur Development: વિકસિત ગુજરાતના છોટા ઉદેપુરનો ફરી એકવાર ઝોળીદાર વિકાસ સામે આવ્યો છે. નસવાડીના ખેંદા ગામમાંથી સગર્ભાને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે. કાચા રસ્તાના કારણે 108 ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી ઝોળીમાં લઈ જવી પડી હતી. નોંધનીય છે કે, છોટા ઉદેપુરથી અવાર-નવાર આવી ઘટનાનો વીડિયો સામે આવતો રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. જાણે સરકારને આ લોકોથી કોઈ ફરક જ નથી પડતો.
શું હતી ઘટના?
છોટા ઉદેપુરમાંથી અવાર-નવાર લોકોને ઝોળીમાં નાંખીને હોસ્પિટલ લઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે. શુક્રવારે (20 જૂન) ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નસવાડીના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલાને ગામમાં પાકો રસ્તો ન હોવાથી ઝોળીમાં નાંખીને ખાનગી જીપમાં મુખ્ય રસ્તાએ ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
કલેક્ટર અને TDO પણ પાકો રસ્તો ન હોવાના કારણે ફસાયા હતા
નોંધનીય છે કે, આ અગાઉ કલેક્ટર અને TDO પણ કાચો રસ્તો હોવાના કારણે અહીં ફસાઈ ચુક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી. દર વખતે જીવના જોખમે આ પ્રકારે સગર્ભા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. જેમાં અનેકવાર દર્દી વિલંબના કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.
આ મુદ્દે ગામના લોકોનું કહેવું છે કે, અમે વારંવાર રજૂઆત કરી હોવા છતા અહીં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી.
આ પણ વાંચોઃ Gujarat Rain : 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા બોલાવશે ધડબડાટી
હાઇકોર્ટની ફટકાર છતાં તંત્રની નબળી કામગીરી
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઓક્ટોબર 2024માં છોટા ઉદેપુરના તુરખેડામાં બનેલી ઘટનામાં પ્રસૂતાને આ રીતે ઝોળીમાં લઈ જવાના કારણે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે રોડ બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવાર આવી રીતે ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાની ઘટના સામે આવી છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે, તંત્ર હાઇકોર્ટના આદેશને પણ ગણકારી નથી રહ્યું અને છેવાડાના ગામડાઓને પોતાના હાલ પર જીવવા મજૂબર કરી દેવાયા છે.


