Gujarat

છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો!

By GS TEAM
22 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે. ગામમાં છેલ્લા કેટલાય સમયથી જોખમી બનેલી 24 કલાક ચાલતી જ્યોતિગ્રામ લાઇનનો જીવતો વીજ વાયર નીચે તૂટી પડ્યો હતો. આ ખુલ્લા અને ચાલુ લાઇનના વાયરની અડફેટે આવી જતાં એક 7 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. તંત્રની આ આળસને કારણે પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો!

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે. ગામમાં છેલ્લા કેટલાય સમયથી જોખમી બનેલી 24 કલાક ચાલતી જ્યોતિગ્રામ લાઇનનો જીવતો વીજ વાયર નીચે તૂટી પડ્યો હતો. આ ખુલ્લા અને ચાલુ લાઇનના વાયરની અડફેટે આવી જતાં એક 7 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. તંત્રની આ આળસને કારણે પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે.

સાત વર્ષના સાહિલનું ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી અનુસાર, ઓડ ગામમાં રહેતા વિનુભાઈ રાઠવાનો 7 વર્ષીય પુત્ર સાહિલ રાઠવા ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જમીન પર પડેલા MGVCLના હાઇવોલ્ટેજ જીવતા તાર સાથે તે ટચ થઈ ગયો હતો. હવામાંથી પસાર થતો આ વાયર નીચે પડ્યો હોવાથી માસૂમ બાળક તે સમજી શક્યો નહોતો અને જોરદાર વીજ કરંટ લાગવાના કારણે સાહિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ઊભેલી ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

તંત્રની ઘોર બેદરકારી

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ વીજ વાયર જોખમી હાલતમાં હોવા અંગે અને તેને તાકીદે રિપેર કરવા માટે અગાઉ MGVCL (એમજીવીસીએલ)ની કચેરીએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓએ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી અને આખરે આ બેદરકારીએ એક માસૂમનો ભોગ લઈ લીધો. આશ્ચર્યની વાત એ છે કે, ઘટના બની ગયા બાદ પણ વીજ કંપનીના અધિકારીઓ મોડે સુધી ગામમાં ડોકાયા નહોતા અને જોખમી લાઇન પણ ચાલુ જ હતી.

પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો

એક નિર્દોષ બાળકના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર ઓડ ગામના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઝોઝ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી, માસૂમ સાહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનો હવે આ ઘટના માટે જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.