Chhota Udaipur News: છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક હકીકત સામે આવી છે. અહીંની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો જીવના જોખમે આવે છે. ગ્રામજનોએ વારંવાર નવી આંગણવાડીની માગ કરી છે, પરંતુ તંત્ર હજુ પણ બેધ્યાન છે. સવાલ એ છે કે જો કોઈ અઘટિત ઘટના ઘટે, તો તેની જવાબદારી કોણ લેશે?
ન લાઈટ, ન પાકું મકાન, તૂટેલા પતરાં
છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામની આંગણવાડીની દીવાલો કાચી છે અને ઉપર પતરાની છત છે. છેલ્લા પંદર વર્ષથી અહીં બાળકો અભ્યાસ કરે છે, પણ મકાનની હાલત એટલી જર્જરિત છે કે કોઈપણ સમયે તે પડી જવાની ભીતિ છે. આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી, બાળકોને ગરમી લાગે અથવા રૂમમાં પ્રકાશ ઓછો થાય તો બાળકોને મજબૂરીમાં ઓટલા પર બેસાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન પતરાની છત પરથી પાણી પણ ટપકે છે. બાળકો માટે નાસ્તાની કોઈ અલગ વ્યવસ્થા નથી.જ્યાં બાળકો બેસે છે, એ જ જગ્યાએ ગેસનો બાટલો અને સગડી છે.

આંગણવાડી બહેનને તકલીફોનો નથી પાર
આ આંગણવાડી એક-બે વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં ચાલી રહી છે. આંગણવાડી બહેન પણ એટલા જ વર્ષોથી જીવના જોખમે બાળકોને બેસાડી ભણાવે છે. લાઇટ ન હોવાના કારણે મોબાઈલ ચાર્જ થતો નથી નેટવર્કની અછતને કારણે આઈ.સી.ડી.એસ વિભાગને ઓનલાઇન માહિતી પણ મોકલી શકાતી નથી. ખાસ માહિતી મોબાઈલથી આપવાની હોય તો નેટવર્ક માટે ફાંફા મારવા પડે છે. આંગણવાડી બહેન પોતે પણ આ પરિસ્થિતિથી ચિંતિત છે.

અન્ય મકાનમાં શિફ્ટ કરી દઇશું: અધિકારી
આ બાબતે અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું કે ગામમાં આંગણવાડી બની જ નથી . માત્ર મંજૂરી અપાઈ છે, જો કે ક્યાં અને કેવી રીતે ચાલે છે તે બાબતે પૂછતા તેમણે સ્વીકાર કર્યો છે મકાન જર્જરિત છે અને બીજા મકાનમાં બદલવામાં આવશે.
એક તરફ સરકાર બાળકોને સારું શિક્ષણ અને સુવિધાઓ આપવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે આંગણવાડીઓ બનાવે છે, તો પછી ભીલપુર ગામ કેમ આટલા વર્ષોથી વંચિત છે તે યક્ષ પ્રશ્ન છે. શું અંતરિયાળ ગામ છે એટલે તેને સુવિધાથી અળગું રાખવામાં આવી રહ્યું છે. સ્થાનિક નેતાઓ વોટની જરૂર હોય ત્યારે આંટો મારે છે પણ બાદમાં ગ્રામજનો અને ખાસ કરીને નાના ભૂલકાઓને પડતી તકલીફ જોવા આવતા નથી.


