Get The App

સરકારની એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56084 કરોડની નિકાસ કરી

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
સરકારની એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56084 કરોડની નિકાસ કરી 1 - image

Vadodara : કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ વડોદરા સહિત મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 2025માં 56084 કરોડની નિકાસ વિવિધ દેશોમાં કરી છે.

આ સ્કીમ હેઠળ વિદેશમાંથી કોઇ સામાન આયાત કરી તેને અહી પ્રોસેસ, વેલ્યુ એડિશન કરીને ફરી નિકાસ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન આપવામાં આવે છે. જેમાં કાચા માલની આયાત ડયુટી આપવી પડતી નથી. આ રો-મટિરિયલ એક વખત ઉદ્યોગોને મળી જાય તે પછી સામાન્ય રીતે 18 મહિનાની સમય મર્યાદામાં તેમાંથી બનેલી પ્રોડકટની નિકાસ કરવાની રહે છે.

આંકડા અનુસાર દેશમાં આ પ્રકારના ઉદ્યોગોની સંખ્યામાં 7.9 ટકાનો વધારો થયો છે. કારણકે કાચા માલની ડયુટી નહીં લાગતી હોવાથી ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટવાથી ફાયદો થાય છે. મધ્ય ગુજરાતમાં 2022-23 થી લઈને 2024-25 ના સમયગાળા દરમિયાન ઉદ્યોગોએ 3242 નવા એડવાન્સ ઓથોરાઈઝેશન મેળવ્યા છે. જેના આધારે મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોએ 42830 કરોડ રૂપિયાના કાચા માલની આયાત કરી હતી અને આ માલનું પુનઃઉત્પાદન, વેલ્યુ એડિશન કરીને 56084 કરોડ રૂપિયાની પ્રોડક્ટસની નિકાસ કરી હતી. આમ 13542 કરોડનું વેલ્યુ એડિશન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગ જગતના જાણકારોના કહેવા પ્રમાણે વડોદરામાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પ્લાસ્ટિક ઉદ્યોગોનું ખૂબ જ મોટું નેટવર્ક છે. આ ઉપરાંત વડોદરા ભૌગોલિક રીતે ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર પર આવેલું હોવાથી અને તેને હજીરા તથા મુંદ્રા જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા બંદરો સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળી રહી હોવાથી નિકાસ માટે આ ક્ષેત્રમાં ઘણી તકો છે.

એડવાન્સ ઓથોરાઇઝેશન શું છે

ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ ધરાવતા ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદન અને કંપનીની વિગતો સાથે એક્સપોર્ટ કાઉન્સીલમાં અરજી કરી એડવાન્સ ઓથોરાઇઝેશન મેળવવાનું રહે છે. એકવાર એડવાન્સ ઓથોરાઇઝેશન આવી ગયા બાદ તેના આધારે  કસ્ટમ વિભાગમાં બોન્ડ સાથે અરજી આપવામાં આવે છે. કસ્ટમ વિભાગની પરવાનગી મળે  એટલે આયાત કરવામાં આવતું રો મટિરિયલ ડયુટી ફ્રી થઈ જાય છે.