વડોદરા,બાજવા ખાતેથી જવાહરનગર પોલીસે વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર બિનવારસી હાલતમાં કબજે કરી છે.આ દારૃ કોનો છે, કોણ લાવ્યું, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જવાહરનગર પોલીસને માહિતી મળી હતી કે, બાજવા ખાતે કિસ્મતનગર સોસાયટીમાં બિનવારસી હાલતમાં પડેલી કારમાં વિદેશી દારૃનો જથ્થો છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કાર ખુલ્લી હતી. તેમજ ચાવી પણ કારમાં હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૨૩૨ બોટલ કિંમત રૃપિયા ૨૯,૮૫૦ ની કબજે કરી છે. પોલીસે દારૃ તેમજ કાર મળીને કુલ ૧.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ પાસિંગની કાર હોઇ પોલીસ દ્વારા અમદાવાદ આર.ટી.ઓ. પાસે વાહનના માલિકની ખરાઇ કરી તપાસ હાથ ધરવામાં આવશે.


