Gujarat

ઓગસ્ટ માસમાં પ્રથમ સપ્તાહમાં પેટાચૂંટણીનું એલાન થઇ શકે છે

By GS Team
19 Jul 20203 mins read
This article was originally published on 19 Jul 2020
ઓગસ્ટ માસમાં પ્રથમ સપ્તાહમાં પેટાચૂંટણીનું એલાન થઇ શકે છે

અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલાં પક્ષપલટા પછી ખાલી પડેલી આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે. આ પેટાચૂંટણી માટે કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચમાં ધમધમાટ શરૂ થયો છે.

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી એસ.મુરલી ક્રિષ્ણાએ કેન્દ્રીય ચૂંટણીપંચને 20થી વધુ સૂચનો સાથે રિપોર્ટ મોકલ્યો છે.ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં પેટાચૂંટણીનું એલાન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

ગુજરાતમાં ડાંગ, કપરાડા , મોરબી , ગઢડા , લિંબડી , ધારી , કરજણ અને અબડાસા બેઠક પર પેટાચૂંટણી યોજાનારી છે.કેન્દ્રીય ચૂંટણીપંચે વિડીયો કોન્ફરન્સ કરીને દેશના તમામ મુખ્ય નિર્વાચિન અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

રાજ્ય ચૂંટણી પંચે પણ ચૂંટણીને લગતાં સૂચનો કેન્દ્રીય ચૂંટણીપંચને મોકલી આપ્યા છે. આ વખતે રાજકીય પક્ષોને પેટાચૂંટણીમાં પ્રચાર કરતાં આંખે પાણી આવશે કેમકે, કોરોનાની મહામારીને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેરસભા અને રેલી પર પ્રતિબંધ મૂકી શકે છે. આ ઉપરાંત કાર્યકરોની ભીડ ન થાય તે માટે પણ નિયમ લાગુ કરવામાં આવશે.

ઇવીએમનો મતદાર દ્વારા વારંવાર ઉપયોગ થતા કોરોનાનું સંક્રમણ થવાની દહેશત છે. ઇવીએમમાં મતદાન કર્યા બાદ તરત જ મતદારે સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. મતદાન મથક પર પણ સોશિયલ ડિસટન્સનું કડકપણે પાલન થાય તે દિશામાં આયોજન કરવામાં આવશે.

કોરોનાના દર્દી પોસ્ટલ બેલેટથી મત નાંખી શકે તે અંગે પણ કેન્દ્રીય ચૂંટણીપંચે વિચાર્યુ છે. વધુ ભીડ ન થાય તેના પગલે મતદાન મથકોની સંખ્યામાં ય વધારો કરાશે. ટૂંક જ સમયમાં કેન્દ્રીય ચૂંટણીપંચ મતદાનથી માંડીને પ્રચાર સુધી નવી ગાઇડલાઇન બહાર પાડે તેમ છે.આ વખતે પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સોશિયલ મિડિયાના સહારે જ પ્રચાર કરવો પડશે.

મતદાર સાથે સંપર્ક કરવો અઘરો બન્યો છે એટલે નેતાઓ માથુ ખંજવાળી રહ્યાં છે. ઓગષ્ટમાં પેટાચૂંટણી જાહેર થાય તેવી આશાએ ભાજપ-કોંગ્રેસે મૂરતિયા પસંદ કરવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપ-કોંગ્રેસે જે તે બેઠકોમાં સ્થાનિક આગેવાનો-કાર્યકરો સાથે જમણવાર સાથે બેઠકો શરૂ કરી છે. 

કેસો વધે છે ને,દર્દીઓ મરી રહ્યાં છે ત્યારે 

કોરોનામાં ચૂંટણીપંચ અને સરકાર ચૂંટણી યોજીને શું કરવા માગે છે ?

ગુજરાતમાં આઠ ધારાસભ્યો નહી ચૂંટાય તો કશું જ લૂંટાઇ જવાનુ નથી

અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

કોરોનાએ દુનિયાભરને ભરડામાં લીધુ છે.ભારતમાં ય લાખોની સંખ્યામાં લોકો  કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે.હજુ ય કોરોના અંકુશમાં આવે તેમ નથી. આ સંજોગોમાં કેન્દ્રીય-રાજ્ય ચૂંટણીપંચે પેટાચૂંટણીને લઇને બેઠકોનો દોર આદર્યો છે. એક બાજુ, કોરોનાના કેસો વધી રહ્યાં છે.દર્દી મોતને ભેટી રહ્યાં છે ત્યારે આવી મહામારી વચ્ચે ચૂંટણી યોજીને ચૂંટણીપંચ અને સરકારને કરવું છે શું તે સમજાતુ નથી.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસનો આંક 48,441 પર પહોંચ્યો છે.શહેરોમાં જ નહી,હવે તો છેવાડાના ગામડાઓ સુધી કોરોના પહોંચી ચૂક્યો છે.કોરોનાના ડરથી લોકો શહેરથી હવે ગામડા તરફ હિજરત કરવામાં માંડયા છે. આવી પરિસ્થિતી વચ્ચે રાજ્ય ચૂંટણીપંચે પેટાચૂંટણીની તૈયારીઓ કરી છે. વિડીયો કોન્ફરન્સ યોજીને ચર્ચા શરૂ કરીછે.

ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જે તે મત વિસ્તારોમાંજઇને સોશિયલ ડિસટન્સના નિયંમોના પાલન વિના ચૂંટણી જીતવા કવાયત હાથ ધરી છે.સ્થાનિક આગેવાનો-કાર્યકરો સાથે જમણવાર સાથે બેઠકોનો દોર પણ શરૂ થયો છે સવાલ એ ઉભો થયો છેકે, કોરોનાને લીધે નાના ધંધા કરનારાઓની રોજગારી છિનવાઇ છે, કેસો હજુય વધી રહ્યાંછે.મોતનો આકડો પણ વધી રહ્યો છે.

આ સંજોગો વચ્ચે ચૂંટણી યોજીને ચૂંટણીપંચ અને રાજ્ય સરકાર લોકોને શું સંદેશો આપવા માંગે છે તે હજુ લોકોને સમજાયુ નથી. અંગત સ્વાર્થ ખાતર લાખો કરોડો રૂપિયા લઇને પક્ષની વંડી ઠેકનારાં માટે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણી યોજવા જરૂરી નથી કેમકે, લોકોનું માનવું છેકે, આઠ ધારાસભ્યો ચૂંટણી નહી લડે તો કશું જ લૂટાઇ જવાનુ નથી.