Get The App

સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ 1 - image


Bus Stolen from Balasinor ST Depot: મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. એક અજાણ્યો શખસ ડેપોના વર્કશોપમાંથી આખી બસ ચોરી કરી ફરાર થઈ જતા એસટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

વર્કશોપમાંથી બસની ચોરી!

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર એસટી બસ ડેપોમાં આ ઘટના 28મી એપ્રિલની સાંજે બની હતી. એક અજાણ્યો શખસ એસટી ડેપોના વર્કશોપ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. ત્યાંથી તે એસટી બસ લઈને ડેપોની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. બસ ગાયબ હોવાની જાણ થતા જ ડેપોના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય

પોલીસનું સર્ચ ઓપરેશન

ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બસની શોધખોળ શરૂ કરી હતી. આશરે 3 કલાકની સઘન તપાસ બાદ ચોરી થયેલી બસ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચેથી મળી આવી હતી. આરોપી બસને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાએ એસટી ડેપોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બાલાસિનોર ડેપો મેનેજર દ્વારા આ મામલે અજાણ્યા શખસ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ડેપો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આરોપી કોણ હતો અને બસ ચોરી કરવા પાછળનો તેનો ઈરાદો શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.