ગારિયાધારના
શિવેન્દ્રનગરમાં મહિલા સાથે છેતરપિંડી આચરી હતી
ગારિયાધાર
કોર્ટે જામનગરની મહિલા અને શખ્સને રોકડ રકમનો દંડ ફટકાર્યો
ભાવનગર - ગારિયાધાર તાલુકાના
શિવેન્દ્રનગરમાં મહિલાના સોના-ચાંદીના
ઘરેણાં લગ્નમાં પહેરવાના બહાને લઈ જઈ જામનગરમાં વેચી મારી છેતરપિંડી આચર્યાની
ઘટનામાં જામનગરના બંટી-બબલીને બે વર્ષ સખત કેદની સજા અને પાંચ હજાર રૃપિયાનો દંડ
ફટકારવામાં આવ્યો છે.
શિવેન્દ્રનગરમાં
રહેતા કાંતુબેન બટુકભાઈ રાઠોડની બાજુના મકાનમાં વર્ષ ૨૦૨૦માં દિનેશ ઉર્ફે મનસુખ
મોહનભાઈ તરાવિયા (રહે, પુષ્કરધામ સોસાયટી, લાલપુર બાયપાસ ચોકડી, જામનગર), દક્ષાબેન ઉર્ફે વિભાબેન રમણિકભાઈ તરાવિયા
(રહે, યુવા પાર્ક, અટલબિહારી આવાસ
યોજના, ક્વાર્ટર નં.૩૧૦, જામનગર) અને હસરાજભાઈ ઉર્ફે હસમુખભાઈ મોહનભાઈ તરાવિયા (મૃત્યુ પામેલ છે.)એ
ભાડે રહેવા આવતી બાદમાં હંસરાજભાઈએ પોતે નિવૃત્ત આર્મીમેન છે, તેઓને ૮૦ વીઘા જમીન હોવાનું કહીં ઓળખ ઉભી કરી મહિલાના દિકરાને નોકરીએ
રખાવાની લાલચ આપી હતી. ત્યારબાદ મિત્રના લગ્નમાં પહેરવા માટે એક દિવસ પૂરતા ઘરેણાં
આપવાની વાત કરતા મહિલાએ રૃા.૨,૩૫,૦૦૦ની
કિંમતના સોના-ચાંદીના દાગીના પહેરવા આપતા તે દાગીના લઈ ત્રણેય રફુચક્કર થઈ ગયા હતા
અને બાદમાં જામનગર ખાતે અલગ-અલગ સોની વેપારીઓ પાસે ખોટું બોલી બિલ આપવાની શરતે
ઘરેણાં વેચી મારી વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે મહિલાએ ત્રણેય સામે
ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં હસરાજભાઈ ઉર્ફે હસમુખભાઈ
તરાવિયાનું મૃત્યુ થતાં તેમની સામેનો કેસ એબેટ કરાયો હતો. તેમજ અન્ય બે આરોપીઓ
સામે સરકારી વકીલ આર.ડી. સેજુની ધારદાર દલીલો, રજૂ થયેલા
આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.આર.
ઠક્કરે દિનેશ ઉર્ફે મનસુખ તરાવિયા અને દક્ષાબેન ઉર્ફે વિભાબેન તરાવિયાને કસુરવાન
ઠેરવી બે-બે વર્ષની સખત કેદની સજા, પાંચ હજારનો દંડ અને જો
દંડની રકમ ન ભરે તો વધુ એક માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.


