Gujarat

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં

By GS TEAM
9 Nov 20252 mins read
બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં

અમદાવાદ,રવિવાર

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નાના ચિલાડા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવતી બળદગાડામાં શાકભાજી અને ફ્રૂટ વેચી રહી હતી. રસ્તા ઉપર અડચણની કાર્યવાહીના નામે મ્યુનિ.ની ઢોર પકડવા માટે ગયેલી ટીમે બળદગાડું પકડયું હતું. ગાડાથી બળદને છૂટો કરીને ટ્રેકટરના પાંજરામાં ચઢાવી રહ્યા હતા.  દિકરી કરગરીને પોક મૂકી રડતી હતી છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા. આખરે યુવતી પણ બળદ સાથે પાંજરામાં  બેસી જતાં તેને પોલીસ સ્ટેશન લઇ જવાઈ હતી. જો કે પોલીસે સમાધાન  કરાવીને બળદને છોડી મૂક્યો હતો. આંચકારૃપ બાબત એ છે કે ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવા માટે ગાડું લાવવાનું હતું તેને રસ્તા ઉપર જ રહેવા દઇને યુવતી અને બળદને ત્રણ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. અંધેર નગરી... જેવી મ્યુનિ.ની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે.

રસ્તા ખુલ્લા કરવા ગાડું લાવવાનું હતું કે બળદ? માત્ર કામગીરી બતાવવા મ્યુનિ.ની ટીમ 'ગાડાંની અડચણ' રોડ ઉપર મુકી રવાના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા પશુઓને પકડવાની ટીમ નાના-ચિલોડા વિસ્તારમાં ચિલોડા ચાર રસ્તા પાસે એક યુવતી પરિવારનું  ગુજરાન ચલાવવા માટે બળદગાડામાં શાકભાજી તથા ફળફળાદી વેચતી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી ઢોર પકડવાની ટીમે ગાડાથી બળદને છૂટો કરીને બળદને ટ્રેકટરના પાંજરામાં પુરવા માટે પ્રયાસ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ સમયે યુવતી કરગરીને પોક મૂકી રડતી હતી અને 'આ રખડતું પશુ નથી આ તો મારી આજીવિકા છે' કહીને બળદને પાંજરામાં પુરવાથી રોકતી હતી. છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા.

મ્યુનિસિપલ કોપોરેશનની ટીમે બળપ્રયોગ કરી બળદને ટ્રેકટર સાથેના પાંજરામાં પુરતા યુવતી પણ પોતાના પશુને છોડવા માટે જીદ કરીને બળદની સાથે પાંજરામાં બેસી ગઇ હતી. બળદ તથા યુવતીને એક જ પાંજરામાં પુરીને નરોડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે પોલીસે દરમિયાનગીરી કરીને ગુનો નોંધવાનું ટાળીને સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને કરીને બળદને છોડી મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી બતાવવા જતાં સર્જાયેલાં વિવાદનો વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થયો હતો.