Gujarat

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું

By GS TEAM
13 Feb 20262 mins read
સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું

ધાર્મિક દબાણ હોવાથી તંત્રએ રાત્રે ઓપરેશન હાથ ધર્યું

રોડ સાઇડના શેડ અને દીવાલનું દબાણ કોર્પોરેશને તોડી પાડયું ઃ વધુ પાકું દબાણ દૂર કરવા અલ્ટીમેટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરગાસણ ટીપી-૯ ખાતે એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડને નડતરરૃપ હોવાને કારણે કોર્પોરેશને એક ધાર્મિક દબાણ દૂર કર્યું છે. જો કે, હજુ આ ધાર્મિક દબાણના સેડ અને બાઉન્ટ્રીની દિવાલો તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત પણ અહીં પાકુ દબાણ છે જે દૂર કરવા માટે પણ કોર્પોરેશને ધાર્મિક સંસ્થાના સંચાલકોને અલ્ટીમેટમ આવ્યું છે.

ધાર્મિક દબાણો દૂર કરવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે રોડ સાઇડ નડતરરૃપ દબાણો દૂર કરવાની ઝુંબેશ ગુપ્તરીતે કોર્પોરેશન અને જિલ્લા વહિવટી ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ધાર્મિક દબાણોના લીસ્ટ પ્રમાણે, વિરોધ ન થાય તે માટે તંત્ર દ્વારા વહેલી સવારે અથવા તો મોડી રાત્રે દબાણ દૂર કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવે છે. સરગાસણ ટીપી-૯ ખાતે એસજી હાઇવેની સમાંતર આવેલા સર્વિસ રોડ સાઇડ એક ધાર્મિક દબાણ ઘણા વખતથી નડતરરૃપ હતું. આ દબાણ પણ તંત્રની લીસ્ટમાં હોવાથી ગઇકાલે રાત્રે કોર્પોરેશનની ટીમ ત્રિકમ-પાવડા અને હથોડાની સાથે બુલડોઝર લઇને પહોંચી હતી અને જોતજોતામાં તો સેડ તથા કમ્પાઉન્ડ વોલનું દબાણ ઉપર હથોડો ઝિંકી દેવામા આવ્યો હતો.

એટલુ જ નહીં, હજુ પણ આ ધાર્મિક દબાણનું પાકું દબાણ રોડ સાઇડ છે અને તે નડતરરૃપ પણ છે જેના પગલે તે પાકું દબાણ પણ સત્વરે તોડી દેવા માટે કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ દ્વારા ધાર્મિક સંસ્થાના સંચાલકોને નોટિસ આપી છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આ દબાણ સ્વયં દૂર નહીં કરાય તો આવી જ રીતે રાત્રે કે વહેલી સવારે બુલડોઝર ફેરવી દેવાશે.