પ્રેક્ટિસ માટે 'સમાંતર આરટીઓ ટ્રેક' ઉભા થઇ ગયા હતા
કોઇ પણ મંજુરી વગર સરકારી જમીન પર બનાવવામાં આવેલા પ્રેક્ટિસ ટ્રેક પાંચ વર્ષથી ચાલતા હતા : ચાર ટ્રેક તોડી પડાયા
આ સમગ્ર કૌભાંડ અત્યંત વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. આરટીઓમાં જે પ્રકારના ઓફિશિયલ ડ્રાઇવિંગ ટ્રેક હોય છે, તેવી જ સાઈઝ અને ડિઝાઇનના ટ્રેક અહીં પેવર બ્લોક નાખીને તૈયાર કરવામાં આવ્યા હતા.
જેમાં ફોર-વ્હીલર ટેસ્ટ માટેના મહત્વના અવરોધો જેવા કે પાર્કિંગ બ્લોક, ઢાળ, સ્પિડબ્રેકર,ઇંગ્લિશ 'એઇટ',રિવર્સ 'એસ' બનાવવામાં આવ્યા હતા.નવા લાયસન્સ લેવા આવતા અરજદારો ફેઈલ થવાના ડરથી આ ખાનગી ટ્રેક પર પ્રેક્ટિસ કરવા આવતા હતા.
જેનો ફાયદો ઉઠાવી સંચાલકો કોઈપણ મંજૂરી વગર પ્રતિ વ્યક્તિ રૂપિયા ૫૦૦ જેવી મોટી રકમ વસૂલતા હતા. શરૂઆતમાં આરટીઓ અધિકારીઓએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ વચ્ચેની સંકલન કમીને કારણે આ ટ્રેકની સંખ્યા એક પછી એક વધતી ગઈ હતી.
હાલમાં જ્યારે ગાંધીનગરમાં દબાણ હટાવવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પાટનગર યોજના વિભાગની ટીમની નજરે આ વિશાળ ગેરકાયદે ટ્રેક ચઢયા હતા. તંત્રએ તાત્કાલિક બુલડોઝરની મદદથી આ ટ્રેક પર લગાવેલા બ્લોક અને અન્ય માળખું તોડી પાડયું છે.
જોકે, માત્ર તોડી પાડવાથી સમસ્યાનો અંત આવતો નથી. પાંચ વર્ષ સુધી તંત્રની રહેમનજર હેઠળ ચાલતી આ પ્રવૃત્તિ ફરી શરૂ ન થાય તે જોવાની જવાબદારી પણ હવે તંત્રની છે.


