Get The App

જામનગરમાં કળિયુગમાં લોહી તરસ્યું થયું : ઘર ખાલી કરાવવા સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો કરતા ભારે ચકચાર

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં કળિયુગમાં લોહી તરસ્યું થયું : ઘર ખાલી કરાવવા સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો કરતા ભારે ચકચાર 1 - image

Jamnagar Crime : જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કલંકિત બનાવ બન્યો છે. જે ભાઈની રાખડી બહેનના કાંડા પર સુરક્ષાનું કવચ બનીને બંધાતી હોય છે, તે જ હાથ જ્યારે બહેન પર હથિયાર ઉપાડે ત્યારે માનવતા શરમાઈ જાય છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર ઘર ખાલી કરાવવાની અને મિલકત હડપવાની લાલચમાં એક ભાઈ એટલો અંધ બન્યો કે તેણે પોતાની સગી બહેન પર જીવલેણ હુમલો કરતા પણ ખચકાટ ન અનુભવ્યો. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, અને સવાલો ઉભા કર્યા છે કે શું હવે પોતાના જ ઘરમાં બહેનો સુરક્ષિત નથી?

કેવી રીતે ખેલાયો લોહીયાળ ખેલ? 

જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી રેશ્માબેન યુસુફભાઈ ખુરેશી (ઉ.વ. 27) શંકર ટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાછળ કાદરી ચોક પાસે પોતાની માતા સાથે રહે છે. રેશ્માબેનનું પોતાની માતા સાથે રહેવું તેમના સગા ભાઈ અજીત યુસુફભાઈ ખુરેશીને લાંબા સમયથી ખટકી રહ્યું હતું. અજીત ઈચ્છતો હતો કે રેશ્માબેન આ ઘર ખાલી કરીને ચાલ્યા જાય, જેથી તે મિલકત પર પોતાનો કબજો જમાવી શકે.

ગઈકાલે તા.06/04/2026 ના રોજ સવારના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે આ વિવાદ ઉગ્ર બન્યો હતો. આરોપી અજીતે અચાનક રેશ્માબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને અત્યંત બીભત્સ ગાળો ભાંડી હતી. વિવાદ એટલો વધ્યો કે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હાથમાં રહેલો લોખંડનો પાઇપ રેશ્માબેનના ડાબા પગના ઘૂંટણ પર ફટકારી દીધો હતો. હુમલા દરમિયાન આરોપીએ બહેન સાથે ઝપાઝપી કરી શરીરે મૂઢ ઈજાઓ પણ પહોંચાડી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત બહેને હિંમત બતાવી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

સીટી સી.ડિવિઝન પોલીસે રેશમાબેનની ફરિયાદના આધારે તેમના ભાઈ અજીત ખૂરેશી સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, ઉપરાંત ઈજાગ્રસ્ત બહેનને સારવાર લેવી પડી છે.

લાલચ અને સંસ્કારોનો સંઘર્ષ 

આ ઘટના માત્ર એક હુમલો નથી, પરંતુ કિંમતી જમીન અને મકાન પાછળ ભૂંસાતી જતી માનવીય સંવેદનાઓનું પ્રતિબિંબ છે. જ્યારે લાલચ સંસ્કારો પર હાવી થઈ જાય છે, ત્યારે પરિવારના માળખા વેરવિખેર થઈ જાય છે. કાયદો પોતાનું કામ કરશે અને કદાચ આરોપીને સજા પણ મળશે, પરંતુ જે વિશ્વાસનો પાયો આ હુમલાથી તૂટ્યો છે તેનું શું? ઘર એ સુરક્ષાનું ધામ હોવું જોઈએ, નહીં કે કોઈના અહમ અને લાલચનું રણમેદાન. જામનગર પોલીસે હવે આ ‘કંસ’ સમાન ભાઈને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી લીધી છે.