Get The App

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો 1 - image

ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ક્ષેત્રે વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું

કમ્પ્રેસ્ડ એરથી ચાલતી મીની ફોર્મ્યુલા-૧ કાર તૈયાર કરી તમામ પાસામાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાબિત થયો

બોટાદતાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ હાલ સ્ટેટ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મુળ બોટાદના ઋત્વીજ પટેલે અને તેની ટીમ ઐતિહાસિક સફળતા ક્ષેત્રે કાઠુ કાઢ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટમાં ઋત્વિજે કારની ગુણવત્તા જાળવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલી વિશ્વપ્રસિદ્ધ એફ૧ ઈન સ્કુલ્સ એટલે કે હાલ સ્ટેમ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સ્પર્ધામાં મૂળ બોટાદનાં ઋત્વિજ દિવ્યાંગભાઈ પટેલ અને તેમની ટીમ ટાયફૂનએ શાનદાર સફળતા મેળવી છે. એલામેન્ડા કે-૯ કોલેજ અને હોમસ્ટેડ સિનિયર સેકન્ડરી કોલેજના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમે વિકટોરિયા સ્ટેટ ફાઈનલ્સમાં સતત બીજી વખત સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન નેશનલ ફાઈનલ્સમાં સમગ્ર દેશમાં ચોથું સ્થાન મેળવી અનેક પ્રતિષ્ઠિત એવોડર્સ જીત્યા હતા.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ કમ્પ્રેસ્ડ એરથી ચાલતી મીની ફોર્મ્યુલા-૧ કાર તૈયાર કરે છે અને તેની ટ્રેક પર હાઈસ્પીડ રેસ યોજવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં ડિઝાઈન, એન્જિનિયરિંગ, એરોડાયનેમિક્સ, બ્રાન્ડિંગ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન જેવા અનેક પાસાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે માહિતી મુજબ, દર વર્ષે ફાઈનલ્સમાં આશરે ૨૫થી ૩૦ જેટલી ટોચની ટીમો ભાગ લે છે. આશરે ૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સાથે જોડાયેલા હોવાથી આ સ્પર્ધાને ઓસ્ટ્રેલિયાની સૌથી પ્રતિષ્ઠિત વિદ્યાર્થી ટેકનિકલ સ્પર્ધાઓમાં સ્થાન મળ્યું છે. વર્ષ ૨૦૨૫ની વિકટોરિયા સ્ટેટ ફાઈનલ્સ દરમિયાન ટીમ ટાયફૂને પોતાના ટેકનિકલ પ્રદર્શન અને ઝડપી કાર ડિઝાઈનના બળે સતત બીજી વખત સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. આમ મૂળ બોટાદનાં ઋત્વિજ દિવ્યાંગભાઈ પટેલે વિદેશની ધરતી પર પોતાની પ્રતિભા દ્વારા બોટાદ અને સમગ્ર ગુજરાતનું નામ ઉજાગર કરી ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ક્ષેત્રે ગુજરાતી યુવાનો પણ વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે.

એસ.ટી.ઈ.એમ.રેસિંગ શું છે?

એફ-૧ ઈન સ્કૂલ્સ તરીકે જાણીતી અને હાલ એસટીઈએમ રેસિંગ નામે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિદ્યાર્થીઓ માટેની વિશ્વપ્રસિદ્ધ ટેકનિકલ ચેલેન્જ છે. તેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક ફોર્મ્યુલા-૧ ટીમની જેમ કાર ડિઝાઈન, મેન્યુફેકચરીંગ, માર્કેટિંગ અને પ્રેઝન્ટેશન પર કામ કરે છે. કમ્પ્રેસ્ડ એરથી ચાલતી મીની એફ-૧ કારને હાઈસ્પીડ ટ્રેક પર દોડાવવામાં આવે છે. જેમાં સ્પીડ, એરોડાયનેમિક્સ, ડિઝાઈન અને ટેકનિકલ કુશળતાનું મૂલ્યાંકન થાય છે.

 

ઋત્વિજ પટેલની ટેકનિકલ ભૂમિકા

ટીમ ટાયફૂનમાં મેન્યુફેકચરિંગ એન્જિનિયર તરીકે કાર્યરત ઋત્વિજ પટેલે કારના ઉત્પાદન અને ટેકનિકલ ગુણવત્તા જાળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સી.એન.જી. મશીનિંગ, ૩ડી પ્રિન્ટિંગ અને એરોડાયનેમિક ટેકનોલોજી ઉપયોગથી કારને ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. કારનું વજન, બેલેન્સિંગ અને સ્પીડ જેવા પાસાઓ પર કરાયેલા બારીક કામના કારણે ટીમને બેસ્ટ મેન્યુફેકચર્ડ કાર અને ફાસ્ટેસ્ટ લેપ જેવા એવોડર્સ મળ્યા હતા.