બોટાદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી
કે.એમ.દોશી ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય સામે બોટાદ પોલીસ મથકમાં છેડતી, પોક્સો, એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો
બોટાદના પાળિયાદ રોડ પર આવેલી શ્રીમતિ કેવળીબહેન મફતલાલ દોશી ગર્લ્સ હાઈસ્કુલ (કે.એમ.દોશી ગર્લ્સ હાઈસ્કુલ)માં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગત તા.૧૭-૦૨ના રોજ શાળામાં પેપર જમા કરાવવા ગઈ હતી અને બપોરે ૩.૩૦ કલાકે નાની રિસેસમાં તેને કાગળો કાપવા માટે કાતરની જરૂર હોવાથી પ્રિન્સિપલની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ ત્યારે શાળાના પ્રિન્સિપાલ દિનેશ પરશોત્તમભાઈ ભુવા (ઉ.વ.૪૫, રહે.બોટાદ)એ વિદ્યાર્થિનીનો હાથ પકડી તારે આગળ આ જ સ્કુલમાં અભ્યાસ કરવાનો છે તેમ કહી વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કર્યાં હતા. આ દરમિયાન વિદ્યાર્થિની પ્રિન્સિપલથી છૂટીને બહાર આવી ઘરે પહોંચી ત્યારે ગુમસુમ રહેતી હોય જેથી તેણીની માતાએ પુછતા પુત્રીએ શાળાના આચાર્યએ કરેલી હરકત અંગે જાણ કરી હતી. જે બાદ વિદ્યાર્થિનીના વાલી તથા અન્ય કુટુંબીજનો ગત રોજ બપોરે શાળાએ જઈ શાળાના પ્રિન્સિપાલને વાત કરી અને સીસીટીવી કેમેરા જોવાની વાત કરતા કેમેરા જોવાની ના પાડી જ્ઞાાતિથી અપમાનિત કર્યાં હતા. બાદમાં શાળાના ટ્રસ્ટીને લઈને પ્રિન્સિપાલની ઓફિસ ગયા તો સીસીટીવી કેમેરા જોતા નહી આવડતું હોવાનું જણાવી દીધું હતું. જે બાદ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતા પોલીસ આવી હતી. જે બાદ આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ બોટાદ પોલીસ મથકમાં શાળાના પ્રિન્સિપાલ દિનેશ પરશોત્તમભાઈ ભુવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૭૫(૧)(આઈ), પોક્સોની કલમ ૧૧(૪),૧૨ તથા એટ્રોસિટીની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ છેડતી
શાળાના આચાર્યએ કરેલી હરકત અંગે પીડિત વિદ્યાર્થિનીએ સૌપ્રથમ તેની સાથે અભ્યાસ કરતી અન્ય બે બહેનપણીઓને વાત કરતા પ્રિન્સિપાલે તેમની સાથે પણ અગાઉ કોઈ બહાને આવી રીતે વર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે પ્રિન્સિપાલે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.


