Gujarat

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું

By GS TEAM
8 Aug 20252 mins read
કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને  હથિયાર મંગાવ્યું હતું

અમદાવાદ,શુક્રવાર

બોપલમાં રહેતા કલ્પેશ ટુંડિયાની આત્મહત્યાના કેસમાં પોલીસે તેેેને હથિયાર આપનાર બંને યુવકોની પુછપરછમાં ચોંકાવનારી વિગતો મેળવી છે. જેમાં જાણવા મળ્યું હતું કે ક્લ્પેશે સુરેન્દ્રનગરમાં રહેતા તેના મિત્રને જણાવ્યું હતું કે એક દુબઇની પાર્ટીને હથિયાર બતાવીને નાણાં પડાવવા છે. જેથી એક દિવસમાં ઉપયોગ કરીને હથિયાર પરત કરી આપશે. પરંતુ, હથિયાર આપ્યાની મિનિટોમાં જ તેણે પોઇન્ટ બ્લેકથી આત્મહત્યા કરી હતી.

બોપલમાં કબીર એન્ક્લેવ પાસે આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના શેરબ્રોકરની આત્મહત્યાના કેસના અનુસંધાનમાં પોલીસે તપાસ દરમિયાન અનેક મહત્વની માહિતી મેળવી છે.  જીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે કલ્પેશ ટુંડિયાને હથિયાર આપનારની વિગતો મેળવવા માટે કારના રજીસ્ટ્રેશન નંબર અને સીસીટીવી તેમજ કોલ ડીટેઇન આધારે તપાસ કરીને સુરેન્દ્રનગરના સાહીરખાન મલેક અને રશીદખાન મલેકને ઝડપીને તેમની પાસેથી હથિયાર જપ્ત કર્યું હતું.  સાહીરખાનની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે છેલ્લાં સાત વર્ષથી કલ્પેશના પરિચયમાં હતો.  આત્મહત્યાના બે દિવસ પહેલાં કલ્પેશે સાહીરને ફોન કરીને કહ્યું હતું કે દુબઇની એક પાર્ટી મળી છે. જેેને ડરાવીને મોટી રકમ મળી શકે તેમ હોવાથી હથિયારની જરૂર હોવાથી એક દિવસ માટે મંગાવ્યું હતું. જેથી સાહીર તેના મિત્ર રશીદને લઇને હથિયાર આપવા માટે આવ્યો હતો. પરંતુ, કલ્પેશે હથિયાર લઇને આત્મહત્યા કરી હતી. આ સમયે તેને હોસ્પિટલ લઇ જવાયો ત્યારે બંને જણા કલ્પેશના ઘરમાંથી હથિયાર લઇને ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ સુસાઇડ નોટમાં કલ્પેશે ઉલ્લેખ કર્યો હતો કે એક વ્યક્તિ પાસેથી તેને ૨૫ લાખ લેવાના છે. પરંતુ, તેેને નાણાં મળતા નથી. સાથેસાથે તેની વૈભવી જીવનશૈલીને કારણે દેવું થઇ ગઇ હતું.  જેથી માનસિક દબાણમાં આવીને તેણે આત્મહત્યા કરી હતી.  પરંતુ, પોલીસ માટે હજુપણ વણ ઉકેલ્યો પ્રશ્ન એ છે કે જો કલ્પેશને આત્મહત્યા કરવી હોય તો તે ગળાફાંસો ખાઇને કે અન્ય રીતે જીવન ટુંકાવી શકે છે? પરંતુ, તેણે હથિયારની રાહ શા માટે જોઇ હતી? ત્યારે હથિયાર આપવા આવેલા શખ્સોની આત્મહત્યા પાછળ કોઇ ભૂમિકા છે?  જે બાબતે ઉંડાણપૂર્વકની તપાસમાં ખુલાસા થઇ શકે તેમ છે.