Get The App

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો

કટિંગ સમયે જ પોલીસે રેડ પાડીને બે આરોપીને ઝડપી પાડયા ઃ ૨૬.૫૯ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ પર દારૃના કટિંગ સમયે જ એલ.સી.બી.ની ટીમે રેડ કરી બે આરોપીઓને ૧૯ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે  ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૩,૬૮૧ બોટલ  અને વાહનો મળીને કુલ ૨૬.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધારની તપાસ શરૃ કરાઇ છે.

એલ.સી.બી.ઝોન - ૩ ની ટીમને માહિતી મળી હતી કે, ભાવેશ ચંદ્રકાંતભાઇ રાજપૂત (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડ) નો  વિદેશી દારૃનો જથ્થો ભરેલો બંધ બોડીના ટેમ્પોે વાઘોડિયા રોડ ઋકમણી  પાર્ટી પ્લોટથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ નજીક ઊભો છે. ટેમ્પામાંથી અલગ - અલગ ગાડીઓમાં તે દારૃનું કટિંગ ચાલી રહ્યું  છે. જેથી, ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નજીકમાં ઊભેલા લોકોમાં નાસભાગ મચી ગઇ  હતી. પોલીસે સ્થળ પરથી મિતેશ મહેશભાઇ રાજપૂત (રહે. લક્ષ્મીનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ) તથા વિક્રમ પ્રતાપસિંહ બારિયા (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી  પાસે, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડયા હતા.  બંને આરોપીઓ દારૃ લેવા માટે આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ભાવેશે કોલ કરીને મને દારૃ લેવા મોકલ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક ટેમ્પો, બે કાર, એક ટુ વ્હિલર કબજે કર્યા હતા. જ્યારે ટેમ્પાનો ડ્રાઇવર પઠાણ તથા કારનો ડ્રાઇવર ભાગી છૂટયા હતા. દારૃ મગાવનાર  મુખ્ય સૂત્રધાર  એક એજન્સીના બાતમીદાર તરીકેની છાપ ધરાવતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આરોપી પકડાયા  પછી જ વધુ વિગતો જાણવા મળશે.


દારૃના કેસમાં બાતમીદારની છાપ ધરાવતા શખ્સની સંડોવણી

વડોદરા,

તાજેતરમાં જ ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરાઇ હતી. તેણે પણ એવો બચાવ કર્યો હતો કે, ડ્રગ્સ ડિલર સોનુ તેનો બાતમીદાર હતો. પોલીસ દ્વારા ગુનેગારોને જ બાતમીદાર બનાવવામાં આવતા હોય છે. ત્યારે આવા બાતમીદારો પોલીસના અંગત હોવાની છાપ ઊભી કરી  હેઠળ ગુનાખોરી કરતા હોય છે. આ કેસમાં પણ દારૃનો જે જથ્થો પકડાયો છે. તેમાં એક એજન્સીના બાતમીદાર તરીકેની છાપ ધરાવતા શખ્સની સંડોવણી  હોવાનું જાણવા મળ્યું છે.